અઢાર હજાર રૂપિયાની ટિકિટમાં મુંબઈના આ ગુજરાતી ભાઈ આખા વિમાનમાં એકલા બેસીને દુબઈ ગયા; જાણો મુંબઈ-દુબઈ ફ્લાઇટનો અનોખો કિસ્સો
ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૭ મે ૨૦૨૧
ગુરુવાર
શું તમે કદી વિચાર્યું છે કે 360 સીટના બોઇંગ વિમાનમાં તમે એકલા સફર કરો? અને એ પણ માત્ર ૧૮ હજાર રૂપિયામાં. આવો જ એક કિસ્સો મુંબઈ શહેરમાં બન્યો છે. વાત એમ છે કે ભાવેશ ઝવેરી નામના ૪૦ વર્ષીય એક વ્યક્તિને કોઈ કામથી દુબઈ જવાનું થયું. તેમણે એમેરિટ્સ ઍરલાઇન્સની ટિકિટ ખરીદી. આ ટિકિટ તેમને ૧૮ હજાર રૂપિયામાં પડી, પરંતુ તેઓ જ્યારે ફ્લાઇટમાં પ્રવેશ્યા ત્યારે તેમના આશ્ચર્યની સીમા ન રહી. પાઇલટ સહિત ૧૦ ક્રૂ મેમ્બરોએ તાળીઓથી તેમનું સ્વાગત કર્યું. ત્યાર બાદ તેમણે વિમાનમાં જોયું તો એકેય પૅસેન્જર નહોતો. આ પરિસ્થિતિમાં તેમણે એકલાએ વિમાનમાં સફર કરી. ઉલ્લેખનીય છે કે આવી રીતે ચાર્ટર્ડ ફ્લાઇટમાં સફર કરવાની કિંમત ૭૦ લાખ રૂપિયાની છે, પરંતુ આ સફર તેમને માત્ર ૧૮ હજાર રૂપિયામાં પડી.