ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૪ જૂન ૨૦૨૧
શુક્રવાર
તેલંગણાના સોમરીપેટા ગામમાં એક વિચિત્ર ઘટના બની છે. કોરોના સંક્રમિત એક માજી આઇસોલેશનથી કંટાળી ગયાં હતાં અને એથી તે પોતાની વહુને ભેટી પડ્યાં અને વહુને પણ કોરોના સંક્રમિત કરી દીધી હતી.
પરિવારના સભ્યોએ માજીને મળવાનું બંધ કરી દીધુ હતું, કારણ કેતેમનાથી બીજા લોકોને પણ સંક્રમણ ફેલાવાનું જોખમ હતું. આ વાતથી સાસુમા એટલી હદે રિસાઈ ગયાં હતાં કે તેમણે પોતાની વહુને જબરજસ્તી બાથ ભરી અને તેને પણ કોરોનાની ચપેટમાં ભેરવી દીધી હતી. વહુનો કોરોના રિપૉર્ટ પૉઝિટિવ આવ્યા પછી પરિવારજનોએ માજીને આવી પરિસ્થિતિમાં ઘરેથી બહાર કાઢી મૂક્યાં હતાં. મજબૂરીમાં તેમની બહેન તેમને પોતાના ઘરે લઈ ગઈ હતી.
એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ વહુએ સ્વાસ્થ્ય અધિકારીઓને જણાવ્યું કે “મારી સાસુએ મને એવું કહીને ગળે લગાવી કે, તારે પણ કોરોના સંક્રમિત થવું જોઈએ.” તેની સાસુ એ વાતથી કંટાળી ગઈ હતી કેતેનો રિપૉર્ટ પૉઝિટિવ આવ્યા પછી પરિવારના લોકો તેનાથી અંતર રાખવા લાગ્યા હતા અને બાળકોને પણ તેમની પાસે મોકલતા નથી અને જમવાનું પણ અલગ વાસણમાં ત્યાં જ આપતા હતા.