ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૫ જુલાઈ ૨૦૨૧
સોમવાર
એકંદરે એવું મનાય છે કે વનૌષધિની કોઈ આડઅસર થતી નથી, પરંતુ હવે એક નવા રિસર્ચમાં સામે આવ્યું છે કે ગિલોયનો કાઢો પીનારા કેટલાક લોકોના લીવરને નુકસાન થયું છે. મુંબઈમાં આવા છ દર્દીઓ મળ્યાના અહેવાલ છે. સપ્ટેમ્બર અને ડિસેમ્બર ૨૦૨૦ના સમયગાળામાં આ દર્દીઓ મળ્યા હતા.
એક રિસર્ચમાં હેપેટોલૉજિસ્ટ ડૉ. આભા નાગરાલે કહ્યું છે કે જે લોકોના લીવરને નુકસાન થયું છે. તેઓની ગિલોય સંબંધિત બાયોપ્સી કરાવતાં આ ચોંકાવનારી હકીકત સામે આવી છે. આ દર્દીઓ નિયમિત ગિલોયનો કાઢો પીતા હતા અને એને લીધે લીવર ડૅમેજ થયાનું પુરવાર થયું છે. આ રિસર્ચનો અહેવાલ ક્લિનિકલ અને એક્સ્પરિમેન્ટલ હેપેટોલૉજી જર્નલમાં પ્રકાશિત કરવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ઘણા લોકો કોરોનાથી બચવા માટે ગિલોયનો કાઢો પીએ છે. આ દર્દીઓ મુંબઈ અને દિલ્હીમાંથી મળ્યા હતા. ડૉક્ટરોનું માનવું છે કે ઑટો ઇમ્યુન રિસ્પોન્સને કારણે આ થયું છે. જ્યારે કોઈ બીમારીથી પીડિત વ્યક્તિઓના શરીરમાં રોગપ્રતિકાર બૅક્ટેરિયા તંદુરસ્ત કોષ પર ઍટેક કરે છે, એને ઑટો ઇમ્યુન રિસ્પૉન્સ કહે છે.
લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ડૉ. સોઇને એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે “મારી પાસે પણ આવા દર્દીઓ આવ્યા છે, જેમને ડાયાબિટીઝ કે પછી દારૂ પીવાની આદત હોય તેમણે ગિલોયનો કાઢો ન પીવો જોઈએ.”