ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
08 ઓક્ટોબર 2020
કોરોના વાયરસ અને તાપમાન વચ્ચેનો કોઈ સબંધ અત્યાર સુધી તો સામે નથી આવ્યો પણ હવે જ્યારે શિયાળાના આગમનની છડી પોકારાઈ રહી છે ત્યારે ઘણાને ભય સતાવી રહ્યો છે કે, કોરોના વાયરસ શિયાળામાં વધારે ફેલાશે અને સંક્રમણ વધશે. ઉલ્લેખનીય છે કે મોટાભાગના વાયરસ શિયાળામાં જ સક્રિય થતા હોય છે. જેમ કે દુનિયાના સંખ્યાબંધ દેશોમાં શિયાળામાં ફ્લુના દર્દીઓ વધી જાય છે. ખાસ કરીને શ્વસનતંત્ર સાથે જોડાયેલી બીમારીઓ શિયાળામાં વધતી હોય છે. આ ટ્રેન્ડ પૂરી દુનિયામાં છે. આ જ કારણ છે કે, ફ્લુના દર્દીઓના સૌથી વધારે મોત શિયાળામાં થાય છે. આવામાં એક્સપર્ટ આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે, શિયાળામાં કોરોના વાયરસ વધારે વિકરાળ સ્વરુપ ધારણ કરે તો નવાઈ નહી.
કેટલાક નિષ્ણાતોનુ માનવુ છે કે, પશ્ચિમી દેશોમાં શિયાળો અત્યંત આકરો હોય છે અને લોકો મોટાભાગે ઘરમાં રહેતા હોય છે. તેથી અહીં લોકો આપોઆપ સોશિયલ ડિસ્ટન્સ જાળવશે તો કોરોનાનું સંક્રમણ ઘટી શકે છે. પરંતુ ભારતના સંદર્ભમાં આ હકીકત સાચી પડતી નથી. નેશનલ ઇન્સ્ટીટયુટ ઓફ વાયરોલોજીના પૂર્વ ડેપ્યુટી ડીરેક્ટર ડો. એમ.એસ. ચઢ્ઢા કહે છે કે ભારતમાં લોકો ઘરમાં જ રહે કે શિયાળામાં ઓછા બહાર નીકળે તેવુંં બનતું નથી વાસ્તવમાં લોકો તડકો લેવા માટે વહેલી સવારથી બહાર નીકળતા હોય છે. અગાઉ એવું મનાતું હતું કે, આકરા ઉનાળાના કારણે કોરોનાનો વાઈરસ આપોઆપ ખત્મ થઇ જશે પરંતુ સમગ્ર એપ્રિલ થી જૂન મહિનો કોરોનાનું સંક્રમણ સૌથી વધુ રહ્યું. જ્યારે ચોમાસામાં પણ મોટાભાગના કેસોમાં ભાગ્યે જ ઘટાડો થયો છે અને શિયાળા માટે મનાય છે કે તે સમયે કોઇપણ પ્રકારના વાયરસને ફેલાવા માટે વધુ સારુ વાતાવરણ હોય છે.
દરમિયાન વિશ્વ આરોગ્ય સંસ્થાએ પણ સ્પષ્ટતા કરી છે કે શિયાળામાં વાયરસના મરવાની સંભાવના ઓછી છે. કોરોના પર વાતાવરણની અસર કેવી થાય છે તે અંગે હજુ સુધી કોઇ સંશોધન થઇ શક્યું નથી અથવા તો સફળ થયું નથી. સામાન્ય રીતે એવું જોવા મળ્યું છે કે શિયાળાના સમયમાં કોઇપણ વાયરસની તીવ્રતા વધી જાય છે. કોરોનાએ હવે ડીસેમ્બરથી સપ્ટેમ્બરનો લાંબો પીરીયડ કે જેમાં ત્રણેય ઋતુઓ આવી જાય છે તે પૂરો કરી લીધો છે અને છતાં હજુ પણ આ વાયરસનો કોઇ ચોક્કસ ટ્રેન્ડ જોવા મળ્યો નથી.
