ન્યૂઝ-ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
11 નવેમ્બર 2020
ફેક ન્યૂઝને લઈ પત્રકારોની માન્યતા સમાપ્ત કરવાના વિવાદાસ્પદ આદેશ બાદ સૂચના અને પ્રસારણ મંત્રાલયએ ઓનલાઇન ન્યૂઝ પોર્ટલ અને મીડિયા વેબસાઇટ ને રેગ્યૂલેટ કરવા માટે નિયમ બનાવી દીધા છે. એટલે કે વિવિધ સમાચાર પોર્ટલો / સમાચાર વેબસાઇટ્સ હવે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલય હેઠળ આવશે. આ માટે ભારત સરકાર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે ઑનલાઈન કન્ટેન્ટ પ્રોવાઈડર્સ વિશે સરકાર લાંબા સમયથી વિચાર કરી રહી હતી. થોડા દિવસો પહેલા કેન્દ્રીય સૂચના તેમજ પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પણ કહ્યુ હતુ કે જે રીતે ટીવી, પ્રિન્ટ મીડિયા વગેરે માટે નિયમો છે તેવી રીતે નિયમન ઓટીટી પ્લેટફૉર્મ માટે પણ હોવુ જોઈએ.
હકીકતમાં, દેશમાં પ્રિન્ટ મીડિયા માટે પ્રેસ આયોગ, ન્યૂઝ ચેનલો માટે બ્રોડકાસ્ટર્સ એસોસિએશન અને જાહેરાતો માટે એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ્ઝ કાઉન્સિલ ઑફ ઈન્ડિયા છે, જે તેમનુ નિરીક્ષણ કરે છે પરંતુ ઑનલાઈન કન્ટેન્ટ, ઑનલાઈન ન્યૂઝ પોર્ટલો અને ઓટીટી પ્લેટફોર્મ માટે એવી કોઈ વ્યવસ્થા સરકારે હજુ સુધી કરી નહોતી. જેના કારણે હવે તેને સૂચના તેમજ પ્રસારણ મંત્રાલય હેઠળ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, ઓટીટી પ્લેટફોર્મ જેવા કે હૉટસ્ટાર, નેટફ્લીક્સ અને એમેઝોન પ્રાઈમ પર પ્રસારિત થતી ફિલ્મો, સીરિઝ વગેરે પર વિવાદ થઈ ચૂક્યો છે. સાથે જ એ પણ માંગ કરવામાં આવી રહી હતી કે આના પર નિરીક્ષણ અને વિવાદિત કન્ટેન્ટ પર અંકુશ લગાવવા માટે સરકાર કોઈ પગલાં લે.