ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
21 સપ્ટેમ્બર 2020
ભારતીય મહિલાઓ ને કોઈ સીમા નડી નથી રહી.. ભારતીય સેનાના ઇતિહાસમાં પ્રથમવાર એક અનોખી ઘટના બની છે. સબ-લેફ્ટનન્ટ કુમુદિની ત્યાગી અને સબ-લેફ્ટનન્ટ રીતિ સિંઘ, યુદ્ધ જહાજના ડેકથી હેલિકોપ્ટર ઉડાવનારી ભારતીય નૌસેનાની પહેલી મહિલાઓ બની છે. પરંપરાગત રીતે, નૌકાદળની સેવામાં મહિલાઓની ભૂમિકા ફિક્સ વિંગ વિમાન માટે મર્યાદિત હતી. સોમવારે સધર્ન નેવલ કમાન્ડના એર સ્ટેશન આઈ.એન.એસ. ગરુડા ખાતે આયોજિત એક સમારોહમાં બંને મહિલા અધિકારીઓ નૌકાદળના ઓબ્ઝર્વર કોર્સ કરી બહાર આવી હતી. કમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ ગ્રેજ્યુએટ થઈ ગયેલી આ બંને મહિલાઓને 2018 માં નેવીમાં કમિશન મળી હતી. તેઓ ભારતીય નૌકાદળના 17 અધિકારીઓના જૂથમાં સામેલ હતા. જેમાં ચાર મહિલા અધિકારીઓ અને ભારતીય કોસ્ટગાર્ડના ત્રણ અધિકારીઓ શામેલ હતા, જેઓને 'નિરીક્ષકો' તરીકે સ્નાતક થવા પર 'વીંગ્સ' એનાયત કરાઈ હતી.
મૂળ હૈદરાબાદની રહેવાસી સિંઘ સશસ્ત્ર દળમાં ફરજ બજાવતા તેના પરિવારની ત્રીજી પેઢીની અધિકારી છે. તેના દાદા આર્મીમાં હતા અને તેના પિતા ભૂતપૂર્વ નૌકા અધિકારી હતા. તેમણે કહ્યું કે, 'તેનું સપનું સાકાર થવાનું છે કારણ કે નૌસેનામાં જોડાવું એ મારુ પ્રિય સ્વપ્ન હતું.'
ગાઝિયાબાદના સબ લેફ્ટનન્ટ ત્યાગીએ કહ્યું કે તે લડાકુની ભૂમિકામાં નેવીમાં સામેલ થવા માંગે છે. વધુમાં કહ્યું કે 'લેફ્ટનન્ટ કિરણ શેખાવત, એક મહિલા અધિકારી, જેણે 2015 માં નૌકાદળના વિમાનને લગતા અકસ્માતમાં પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમના વિશેના સમાચારોએ મને નેવીમાં જોડાવાની પ્રેરણા આપી હતી. નૌકાદળના જવાનો જમીન, હવા અને પાણી પર કામ કરે છે અને હું તે ત્રણે અનુભવ લેવા માંગતી હતી.
અન્ય બે મહિલા અધિકારીઓ, સબ લેફ્ટનન્ટ અફ્નાન શેખ અને સબ લેફ્ટનન્ટ ક્રિશ્મા આર. પણ સોમવારે કસોટીમાં પાસ થયાં છે. તેઓ નેવીનું ફિક્સ-વિંગ વિમાન ચલાવશે.
ક્વોલિફાઇડ નેવિગેશન ઇન્સ્ટ્રક્ટર (ક્યુએનઆઈ) તરીકે સફળતાપૂર્વક સ્નાતક થયેલા છ અન્ય અધિકારીઓને પણ 'પ્રશિક્ષક બેજ' એવોર્ડ આપવામાં આવ્યાં હતાં. આ અધિકારીઓને હવાઇ સંશોધક, ઉડતી કાર્યવાહી, હવાઇ યુદ્ધમાં કાર્યરત રણનીતિ, સબમરીન વિરોધી યુદ્ધ અને એરબોર્ન એવિઓનિક સિસ્ટમ્સની તાલીમ આપવામાં આવી હતી. આ અધિકારીઓ ભારતીય નૌકાદળ અને ભારતીય કોસ્ટ ગાર્ડના ઓન-બોર્ડ મેરીટાઇમ રિકોનિસન્સ અને એન્ટિ-સબમરીન વોરફેર વિમાનમાં સેવા આપશે.
