ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
4 જુન 2020
ચારધામ યાત્રા ને લઇ ઉત્તરાખંડ સરકાર 8 જૂનથી સીમિત માત્રામાં શ્રદ્ધાળુઓને પરવાનગી આપવા તૈયારી કરી રહી છે. બીજી બાજુ મંદિરોના રાવલ સહિત પૂજા અને સેવા સાથે સંકળાયેલા લોકો આ બાબતે રાજી નથી. પૂજારીઓની માંગ છે કે જે રીતે દેશમાં કોરોનાના કેસોમાં વૃદ્ધિ થઈ રહી છે તે જોતાં 30 જૂન સુધી દર્શન અને યાત્રા પર રોક લગાવવામાં આવે. સાથે જ મંદિરોના તીર્થ પુરોહિતો એ જણાવ્યું કે "માત્ર સ્થાનિક લોકોને આ ધર્મસ્થાનોમાં આવવાની મંજૂરી અપાય એ જ અત્યારે ઉચિત છે". આમ ચારધામ યાત્રા ને ખૂલ્લી મૂકવા માટે પૂજારીઓ અસહમત છે.
જ્યારે બીજી બાજુ શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઈન બોર્ડ, માતા વૈષ્ણોદેવી મંદિર માં દર્શનને લઈ તડામાર તૈયારીઓ કરી રહયું છે. મંદિર નું કહેવું છે કે 18 માર્ચથી બંધ કરાયેલા આ મંદિરને હવે કેન્દ્રિય દિશાનિર્દેશ બાદ જ બહાલ કરવામાં આવશે. આમ છતાં સોશિયલ ડિસ્ટનસિંગ નું ધ્યાન રાખવામાં આવશે. મંદિર ખોલવા પહેલાની તૈયારી રૂપે હાલ ઘોડા અને તેના માલિકોનું મેડિકલ ચેકઅપ થઈ રહ્યું છે. મંદિરના દરવાજાઓમા થર્મલ સ્કેનર લગાવવામાં આવી રહ્યા છે. તેમજ વૈષ્ણોદેવીના માર્ગોમાં અને ગુફાઓમાં સુરક્ષાના ઉપાયો અપનાવાઈ રહ્યા છે..