News Continuous Bureau | Mumbai
કુદરતના સાનિધ્યમાં વસેલા ઉત્તરાખંડમાંથી એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. અહીંની એક વૃદ્ધ મહિલાએ પોતાની તમામ સંપત્તિ પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને આપી દીધી છે. ઉત્તરાખંડની રાજધાની દેહરાદૂનના દલનવાલાની નેહરુ કોલોનીમાં રહેતી 78 વર્ષીય મહિલાએ પોતાની રાહુલ ગાંધીને પોતાના ઉત્તરાધિકારી જાહેર કર્યા છે અને સમગ્ર સંપત્તિ રાહુલ ગાંધીના નામે કરી દીધી છે. સંપત્તિમાં રૂ. 50 લાખની એફડી અને 10 ઔંસ સોનાનો સમાવેશ થાય છે.
મહત્વનું છે કે પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને કારમી હાર મળી હતી. ત્યારબાદ પાર્ટી આંતરિક વિવાદનો સામનો કરી રહી છે. આ વચ્ચે મહિલાએ રાહુલ ગાંધી અને તેના વિચારોને દેશ માટે જરૂરી ગણાવ્યા છે અને પોતાની બધી સંપત્તિ રાહુલ ગાંધીના નામે કરી દીધી છે.
આ સમાચાર પણ વાંચો : ભારત સરકારે દેશના આગામી વિદેશ સચિવ તરીકે આ અધિકારીના નામ પર લગાવી મહોર, હર્ષવર્ધન શ્રૃગંલાનું લેશે સ્થાન; જાણો વિગતે
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ આ વૃદ્ધાનું નામ પુષ્પા મુંજિયલ છે. તેમણે સોમવારે દેહરાદૂન જિલ્લા કોર્ટમાં વસિયતનામું રજૂ કર્યું હતું. મહિલાનું કહેવું છે કે તે રાહુલ ગાંધીના વિચારોથી ખૂબ પ્રભાવિત છે, તેથી તે પોતાની મિલકત રાહુલ ગાંધીના નામે કરી રહી છે. મહિલાની સંપત્તિમાં 50 લાખની જંગમ અને સ્થાવર મિલકત અને 10 તોલા સોનું પણ સામેલ છે.
કોર્ટમાં તેમણે વસિયતનામું રજૂ કર્યું તે સમયે તેમની સાથે જિલ્લા કૉંગ્રેસના પ્રમુખ લાલચંદ શર્મા પણ ઉપસ્થિત રહ્યા હતા. લાલચંદ શર્માએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે, મહિલાએ કહ્યું કે, રાહુલ ગાંધીના પરિવારે દેશની આઝાદીથી લઈને આજ સુધી હંમેશા આગળ વધીને દેશ માટે પોતાની સર્વોચ્ચ કુરબાની આપી છે. પછી ભલેને ઈંદિરા ગાંધી હોય, રાજીવ ગાંધી હોય. તેમણે આ દેશની એકતા અને અખંડિતતા માટે પોતાના પ્રાણની આહુતિ આપી છે.
જોકે આ પહેલીવાર નથી જ્યારે પુષ્પા મુંજિયાલે આ રીતે દાન કર્યું હોય. અગાઉ 2011માં તેમણે દૂન સરકારી હોસ્પિટલને 25 લાખ રૂપિયાનું દાન આપ્યું હતું. આ પૈસા ગરીબોની સારવાર, દવા અને હોસ્પિટલના મશીનોની જાળવણી માટે ચૂકવવામાં આવતા હતા.