News Continuous Bureau | Mumbai
ઈન્ડિગો એરલાઈન્સના વિમાનનું આજે એકાએક નાગપુરમાં ઈમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું. ઈન્ડિગો એરલાઈન્સની ફ્લાઈટ 6E 7074 અમદાવાદથી નાગપુર થઈને લખનઉ જઈ રહી હતી. આ વિમાને અમદાવાદથી સવારે 7.15 વાગ્યે ઉડાન ભરી હતી અને આ દરમિયાન તેમાં 50 મુસાફરો અને 4 સ્ટાફ મેમ્બર એમ 54 લોકો સવાર હતા. દરમિયાન પાયલટે વિમાનમાં ધુમાડો જોતા નાગપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.
જો કે હાલમાં આ અકસ્માતને કારણે કોઈ મુસાફરને ઈજા થઈ હોવાના અહેવાલ મળ્યા નથી. મીડિયામાં પ્રકાશિત અહેવાલો અનુસાર, પાયલટે એરક્રાફ્ટમાં ધુમાડો જોયો, ત્યારબાદ સવારે 8.33 કલાકે નાગપુરમાં વિમાનનું ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું. વિમાનમાં ધુમાડો કેવી રીતે ઉડવા લાગ્યો તેની તપાસ માટે એન્જિનિયરોની ટીમ હાજર છે. હાલ ફ્લાઇટમાં બધું સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે, આ સમગ્ર ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મુસાફરોને તેમની સુવિધા અનુસાર નાગપુર, દિલ્હી અથવા લખનઉ લઈ જવામાં આવી રહ્યા છે.તો કેટલાંક મુસાફરોએ પોતાની આગળની મુસાફરી સ્થગિત કરી દીધી છે.
આ સમાચાર પણ વાંચો : નવાબ મલિકની મુસીબતો ઓછી ન થઈ, જ્યુડિશિયલ કસ્ટડી આ તારીખ સુધી લંબાવાઈ; જાણો વિગતે
ઉલ્લેખનીય છે કે ગત શનિવારે ઝારખંડના રાંચી સ્થિત બિરસા મુંડા એરપોર્ટ પર ઇન્ડિગોના કોલકાતા જઇ રહેલા વિમાનમાં મુસાફરી દરમિયાન આવેલી ટેક્નિકલ ખરાબીના કારણે તે ફ્લાઇટ રદ કરાઇ હતી. રાંચી એરપોર્ટના નિર્દેશક વિનોદ શર્માએ જણાવ્યું કે, ઇન્ડિગોની ફ્લાઇટ સવારના નવ વાગીને પાંચ મિનિટ પર કોલકાતા જવા રવાના થઇ ગઇ હતી. એ જ સમયે તેનું AC એકાએક બંધ થઇ ગયું હતું અને જોરદાર અવાજ સંભળાયો હતો, જેનાથી વિમાનમાં સવાર મુસાફરો ગભરાઇ ગયા હતાં.