ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ મે ૨૦૨૧
બુધવાર
કોરોનાના કાળ વચ્ચે જાપાનના વૈજ્ઞાનિકોએ એક અલગ પ્રકારની શોધ કરી છે. સંશોધનકર્તાઓએ દાવો કર્યો છે કે કટોકટીના સમયમાં સસ્તન પ્રાણીઓ ગુદાદ્વાર દ્વારા પણ શ્વાસ લઈ શકે છે, ગુદા દ્વારા શ્વાસ લેવાથી પણ તેઓને ઑક્સિજન મળે છે. વૈજ્ઞાનિકો આશ્ચર્યચકિત થયા કે કેટલાક સમુદ્ર જીવો કટોકટીમાં તેમના આંતરડામાંથી શ્વાસ લે છે. એથી તેમને પ્રશ્ન જાગ્યો કે શું સસ્તન પ્રાણીઓ ફક્ત નાક દ્વારા શ્વાસ લઈ શકે છે?
ઉપરોક્ત સવાલનો જવાબ શોધવા માટે ટોક્યો મેડિકલ યુનિવર્સિટીના સંશોધકોએ જવાબ શોધવા માટે ઉંદરો અને પિગ સાથે પ્રયોગો શરૂ કર્યા. હવે આ સંશોધનકર્તાઓનો દાવો છે કે આ પ્રકિયા માણસ પર પણ લાગુ થઈ શકે છે. સંશોધનકારો કહે છે કે આનાથી એવી વ્યક્તિનું જીવન બચી શકે છે જેને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય અને વેન્ટિલેટર મળી શકે નહિ. સસ્તન પ્રાણીઓમાં શ્વસનતંત્રનો વિકાસ થાય છે. ફેફસાંની મદદથી શરીરમાં શ્વાસ લેવાનું કામ થાય છે. સંશોધનકારો કહે છે કે લોચ ફિશ, કેટફિશ અને સી કુકુમ્બર પાસે વૈકલ્પિક શ્વાસની પ્રણાલી છે. આ ગોઠવણ તેમને આંતરડામાંથી શ્વાસ લેવાની મંજૂરી આપે છે.
મુખ્ય સંશોધનકર્તા રિયો ઓકાબેએ જાપાનના મીડિયાને કહ્યું હતું કે ‘’આપણા ગુદામાં ઘણી રક્ત વાહિનીઓ છે. આનો અર્થ એ છે કે જો આ માર્ગે દવા આપવામાં આવે તો એ ઝડપથી લોહીમાં ભળી શકે છે.” ઓકાબેએ કહ્યું કે તે આ બાબત પર ધ્યાન આપી રહ્યા છે કે ગુદાદ્વાર દ્વારા જો ઑક્સિજન આપવામાં આવે તો એ લોહીમાં ઑક્સિજન ભળશે કે નહીં. એ અંગે અમારી ઉત્સુકતા વધી છે. એથી તેમણે અને વૈજ્ઞાનિકોએ ઉંદરો અને પિગમાં ઑક્સિજનનો સ્તર ઘટાડ્યો. ત્યાર બાદ તેણે તેમને ગુદામાર્ગ દ્વારા પ્રવાહી તેમ જ વાયુયુક્ત ઑક્સિજન આપ્યું. પ્રયોગ સફળ રહ્યો અને ઝડપથી તેમના શરીરમાં ઑક્સિજન પહોંચ્યું હતું.