ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 23 ફેબ્રુઆરી 2022,
મંગળવાર,
રશિયા અને યુક્રેન વચ્ચે ગમે ત્યારે યુદ્ધ ફાટી નીકળે તેવી ગંભીર પરિસ્થિતિ નિર્માણ થઈ છે, તેનાથી સમગ્ર વિશ્વમાં ચિંતાનું વાતાવરણ ફેલાઈ ગયું છે. યુદ્ધ હંમેશા વિનાશ જ નોતરે છે. બીજું વિશ્વ યુદ્ધ પૂરું થયા બાદ રશિયા-અમેરિકા વચ્ચે કોલ્ડ વોરની શરૂઆત થઈ ગઈ હતી, જેમાં વિશ્વના અનેક દેશોએ પોતાનું અસ્તિત્વ ગુમાવી દીધું છે.
વિશ્વના બે પાવરફુલ દેશો વચ્ચેની દાયકો જૂની દુશ્મનીમાં હવે જોકે યુક્રેનનો ભોગ લેવાઈ રહ્યો હોવાનું માનવામાં આવે છે. આ અગાઉ પણ આ મહાસત્તાઓની દુશ્મનીને કારણે અનેક દેશો તેનો ભોગ બની ચૂક્યા છે. જેમાં 1945માં બીજું વિશ્વયુદ્ધ પૂરું થયું એ સાથે જ રશિયા અને અમેરિકા દુનિયા પર પોતાનું પ્રભુત્વ જમાવવાના પ્રયાસમાં લાગી ગયા હતા. જેનો ભોગ કોરિયા બન્યું હતું. કોરિયાના બે ટુકડા થઈ જતા આજે ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયા બે દેશ બની ગયા છે. અનેક વર્ષ સુધી ચાલેલા યુદ્ધમાં એક બાજુ અમેરિકાની સેના હતી. તો બીજી બાજુ રશિયા અને ચીનની દરમિયાનગીરી હતી. તેને કારણે 1953માં કોરિયાના બે ટુકડા થઈ ગયા હતા. ત્યારથી કોમ્યુનિસ્ટ વિધારધારા સાથે ઉત્તર કોરિયામાં તાનાશાહી શાસન છે. તો બીજી બાજુ અમેરિકાની મૂડીવાદી વ્યવસ્થા સાથે આવેલા દક્ષિણ હિસ્સાને દક્ષિણ કોરિયાનું નામ મળ્યું હતું. આજે 70 વર્ષ બાદ પણ કોરિયાના ટુકડા થયેલા આ બંને દેશ વચ્ચેનો તણાવની સ્થિતિ હળવી થઈ નથી. આજે પણ ઉત્તર કોરિયાના પક્ષમાં રશિયા અને ચીન ઊભા છે. જયારે દક્ષિણ કોરાની સુરક્ષા માટે અમેરિકાના સૈનિકો છે.
રશિયા અને અમેરિકાના યુદ્ધમાં ક્યુબાનો પણ ભોગ લેવાયો હતો. અમેરિકાની નજીક આવેલા કોમ્યુનિસ્ટ દેશ કયુબાની મિસાઈલ કટોકટીને આજે પણ લોકો ભૂલ્યા નથી. 1960ના દાયકામાં રશિયાએ કયુબામાં પોતાની મિસાઈલ ગોઠવી દીધી હતી. જેને અમેરિકાએ સુરક્ષા માટે જોખમ ગણાવ્યું હતું. જોકે બાદમાં રશિયાએ મિસાઈલો હટાવી દીધી હતી. પરંતુ બંને મહાસત્તાઓ પોતાનું વર્ચસ્વ જાળવી રાખવા કયુબાને યુદ્ધનો અખાડો બનાવી દીધો હતો. આજે પણ ક્યુબામાં રશિયા સમર્થિત કોમ્યુનિસ્ટ સરકાર છે. તો હજારોની સંખ્યામાં વિપક્ષના નેતાઓ અમેરિકાને સમર્થન આપી રહ્યા છે. કયુબાના અનેક લોકો દેશની બહાર શરણ લઈ રહ્યા છે. જોકે આ બધા ચક્કરમાં ક્યુબાના અર્થતંત્રનો કચ્ચરધાણ નીકળી ચૂકયો છે.
રશિયા, ચીન અને અમેરિકાના કોલ્ડ વોરમાં વિયેતનામે પણ બહુ ગુમાવ્યું છે. એશિયામાં 1960ના દાયકામાં પોતાનો દબદબો જાળવી રાખવા અમેરિકાએ એશિયામાં સતત સૈનિકોની સંખ્યા વધારતું રહ્યું હતું. એક સમય એવો આવ્યો કે વિયેતનામમાં અમેરિકાના સૈનિકોની સંખ્યા 1 લાખ 80 હજારથી વધુ થઈ ગઈ હતી. રશિયા-ચીનનો પ્રભાવ ધરાવતા ઉત્તર વિયેતનામના વિસ્તારોમાં અમેરિકાની હાજરીને લઈને મોટા પ્રમાણમાં બળવો થઈ ગયો હતો અને જોતજોતામાં આ સ્થિતિએ વિયેતનામ યુદ્ધનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ત્યારબાદ વર્ષો સુધી વિયેતનામને અમેરિકાના હુમલા અને બોમ્બમારોનો સામનો કરવો પડયો હતો. વિયેતનામમા ભારે ખુમારી બાદ છેવટે અમેરિકાએ અહીંથી પોતાના સૈનિકો પાછા ખેંચ્યા હતા. ત્યારબાદ પરિસ્થિતિમાં સુધારો થયો હતો. જોકે વિયેતનામ તેના ઈતિહાસમાં સર્જાયેલા વિનાશને ભૂલ્યો નથી.
કોલ્ડ વોરના સમયમાં કોમ્યુનિસ્ટ રશિયા તથા મૂડીવાદી અમેરિકા વચ્ચે યુદ્ધ છેડાયું હતું. ત્યારે કયો દેશ કોની તરફ છે, એમા જ અનેક દેશોના અસ્તિત્વ સામે જોખમ ઊભું થયું હતું. 1968માં જયારે ચેકોસ્લોવાકિયાએ કોમ્યુનિસ્ટર વિચારધારાથી અલગ હટીને આર્થિક સુધારાની તરફેણ કરી ત્યારે બે ગ્રુપ વચ્ચે તણાવ વધી ગયો હતો. વોરસા સમજૂતીથી અલગ થવા કોમ્યુનિસ્ટ વિચારધારા સામે ષડયંત્ર ઘડવાનો આરોપ લગાવીને 20 ઓગસ્ટ 1968ના રશિયાએ સોવિયટ ગ્રુપના અન્ય સભ્ય સાથે મળીને ચેકોસ્લોવાકિયા પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં મોટા પ્રમાણમાં જાનહાની થઈ હતી. તેમ જ ત્રણ લાખથી વધુ લોકોને ચેક તથા સ્લોવાકમાં તેમના ઘર છોડીને ભાગવું પડ્યું હતું.
અમેરિકા અને રશિયા વચ્ચે ચાલતા વર્ષો જૂના કોલ્ડવોરમાં એશિયાના અફઘાનિસ્તાનનો ખો નીકળી ગયો છે. અફઘાનિસ્તામાં 1970ના દાયકામાં રશિયા સમર્થિત સરકાર ચાલતી હતી. રશિયાના વર્ચસ્વને હટાવવા અને એશિયામાં પોતાનું પ્રભુત્વ જમાવવા અમેરિકાએ પાકિસ્તાનને પોતાનું હથિયાર બનાવ્યું હતું અને તાલિબાનને ઊભું કર્યું હતું. 1990માં અમેરિકા અફઘાનિસ્તાનમાંથી રશિયા સમર્થિત સરકારને પદભ્રષ્ટ કરવામાં સફળ રહ્યું હતું. જોકે ત્યારબાદ તાલિબાન જ અમેરિકા માટે માથાનો દુખાવો બની ગયું હતું. 9/11 હુમલાની ઘટના બાદ અમેરિકાએ અફઘાનિસ્તાનને ઘમરોળી નાખ્યું હતું અને તાલિબાનને સત્તા પરથી ખદેડી નાખ્યું હતું. હવે જોકે 21 વર્ષ બાદ ફરી અફઘાનિસ્તાનમાં રશિયા અને ચીનની મદદથી તાલિબાને અફઘાનિસ્તાન પર સત્તા મેળવી લીધી છે અને અમેરિકાને દેશ છોડી જવું પડ્યું છે. જોકે અમેરિકા અને રશિયાના વર્ચસ્વની લડાઈમાં અફઘાનિસ્તાન માં હજારો નિર્દોષ નાગરિકોએ જીવ ગુમાવ્યા છે અને દેશનું ઘનોપત નીકળી ગયું છે.