ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
06 જાન્યુઆરી 2021
લોકો મનગમતી ગાડી અને તેનો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નંબર મેળવવા માટે હજારો લાખો રૂપિયા ખર્ચતા અચકાતા નથી. પરંતુ અંકશાસ્ત્ર ના ચક્કરમાં મુંબઈના એક વાહન ચાલકે એવું કામ કર્યું કે તેનાથી ઉદ્યોગપતિ રતન તાતાને આંચકો લાગયોછે.
મુંબઇ ટ્રાફિક પોલીસે ડુપ્લિકેટ નંબર પ્લેટનો કિસ્સો શોધી કાઢયો છે, જેમાં એક મોટરચાલકે વાહનના રજિસ્ટર્ડ નંબરને અંકશાસ્ત્ર સાથે ગોઠવવા માટે જાતે જ બદલી નાખ્યો હતો, જે આકસ્મિક રીતે ઉદ્યોગપતિ રતન ટાટાની કાર સાથે મેળ ખાતો હતો. આ વાત સામે આવ્યાં બાદ માટુંગા પોલીસ સ્ટેશનમાં IPC અને મોટર વાહન અધિનિયમની સંબંધિત કલમો હેઠળ વાહન માલિકી ધરાવનારી કંપની સામે કેસ નોંધવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, એમટીપીએ રતન ટાટા સાથે નોંધાયેલ કારને ઇ-ચલન જારી કર્યું હતું. રતન તાતાના નામે ચલણ મળતાં તાતાની ઓફિસે ટ્રાફિક વિભાગ સાથે પુછપરછ કરી હતી અને દાવો કર્યો કે ઉદ્યોગપતિની કાર ઈ-ચલણમાં ઉલ્લેખિત સ્થળ પર ક્યારેય ગઈ નહોતી.
તાતા તરફથી ફરિયાદ નોંધાવ્યા બાદ તપાસ શરૂ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે, તે ડુપ્લિકેટ નંબર પ્લેટનો મામલો છે અને કાર માટુંગા વિસ્તારમાં ફાઇવ ગાર્ડન પાસે પાર્કિગ કરેલી મળી આવી હતી. જ્યારે પોલીસે કારના લાઇસન્સ, ચેસિસ નંબર અને એન્જિન નંબર જેવી બધી માહિતી ચકાસી, ત્યારે બહાર આવ્યું હતું કે વાહનના માલિકે અંકશાસ્ત્રના હેતુથી કારનો અસલી નંબર બદલી નાખ્યો હતો. જે અજાણતાં જ તાતાની કાર સાથે મેચ થઈ ગયો હતો.
જ્યારે પોલીસે માલિકનો સંપર્ક કર્યો ત્યારે તેઓએ સહકાર આપવાનો ઇનકાર કર્યો હતો. જોકે, માટુંગા પોલીસે આ કેસમાં હજુ સુધી કોઇ ધરપકડ કરી નથી, તેની વધુ તપાસ ચાલુ છે.
