ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 8 ફેબ્રુઆરી 2022
મંગળવાર.
એશિયાના સૌથી ધનાઢયોની યાદીમાં ગૌતમ અદાણી બાજી મારી ગયા છે. છેલ્લા બે વર્ષથી ચાલી રહેલા બે મોટા ઉદ્યોગ સાહસિકોમાં સૌથી ધનિક બનવાની લડાઈમાં આખરે ગૌતમ અદાણીનો વિજય થયો છે. અદાણી ગ્રૂપના વડા ગૌતમ અદાણી 88.5 અબજ ડોલર (ભારતીય ચલણમાં રૂ. 6,63,750 કરોડ)ની નેટવર્થ સાથે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા હોવાનો દાવો બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના અહેવાલમાં કરવામાં આવ્યો છે. ગૌતમ અદાણીએ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પાછળ મૂકી દીધા છે.
બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સના અહેવાલ અનુસાર ગૌતમ અદાણી એશિયાના સૌથી ધનિક ઉદ્યોગસાહસિક બની ગયા છે. સોમવાર, 7 ફેબ્રુઆરી, 2022ના રોજ અદાણીની નેટવર્થ 88.5 અબજ સુધી પહોંચી હતી. એશિયાના સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીએ પોતાનું સ્થાન ગુમાવ્યું છે. અંબાણીની કુલ સંપત્તિ 87.9 અબજ છે. અગાઉ નવેમ્બર 2021માં ગૌતમ અદાણીએ અંબાણીને હરાવ્યા હતા.
છેલ્લા એક વર્ષમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં 90,000 કરોડ રૂપિયા એટલે કે 12 અબજ ડોલરનો વધારો થયો છે. અદાણી ગ્રુપ કોલસા, ઉર્જા, નેચરલ ગેસ, એફએમસીજી, પોર્ટના ઉદ્યોગોમાં છે. અદાણી ગ્રુપના કેટલાક શેરોએ છેલ્લા એક વર્ષમાં રોકાણકારોને 600 ટકા સુધીનું વળતર આપ્યું છે.