ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
12 જાન્યુઆરી 2021
ગ્લોબલ વૉર્મિંગ ઈફેક્ટ ચારે બાજુ દેખાઈ રહી છે. એવામાં પ્રકૃતિ પણ બાકાત રહી શકી નથી. આમ તો ધરતીને પોતાની આસપાસ ફરતા 24 કલાક લાગે છે. પરંતું પીગળી રહેલા બરફના કારણે ધરતીની પરિભ્રમણ ઝડપ વધી રહી છે.
વૈજ્ઞાનિકોએ નોંધ્યું છે કે ધરતીની પોતાની ધરી પરની પરિભ્રમણ સ્પીડમાં મામુલી વધારો નોંધાયો છે. તેના કારણે દિવસની લંબાઈ પણ 24 કલાકને બદલે જરા ઘટી છે. ધરતી પોતાની ધરી ફરતે ગોળ ફરે છે અને સાથે સાથે સૂર્ય ફરતે પણ પરિભ્રમણ કરે છે.
આ રીતે ધરતીનો ગોળો એક સાથે કુલ બે પરિભ્રમણ કરે છે. તેમાંથી પોતાની ધરી પરના પરિભ્રમણમાં સરેરાશ 0.05 મિલિસેકન્ડ (1 સેકન્ડ બરાબર 1000 મિલિસેકન્ડ)નો ઘટાડો થયો છે. છેલ્લા 50 વર્ષમાં જોવા મળેલો આ સૌથી મોટો અને નોંધપાત્ર ઘટાડો છે. અણુ ઘડિયાળની મદદથી આઈઈઆરએસ 1960ના દાયકાથી ધરતીની ગતિ અને સમયના તાલમેલનો રેકોર્ડ રાખે છે.
ઝડપ વધવાનું એક કારણ ધરતી પર પીગળી રહેલો બરફ છે. કેમ કે બરફના થર ઓછા થાય એટલે સ્વાભાવિક રીતે ધરતીને પરિભ્રમણ વખતે વર્તાતુ ઘર્ષણ પણ ઓછુ થાય અને ગતિ વધી જાય. આ ગતિમાં વધારા ઘટાડાથી સામાન્ય વ્યક્તિઓની કામગીરમાં કશો ફરક પડતો નથી. પરંતુ નિષ્ણાતો ના માટે ભૌગોલિક અને વાતાવરણ ની દૃષ્ટિએ ફરક જરૂર પડે છે.
