ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 23 ડિસેમ્બર 2021
ગુરુવાર.
લગ્ન પ્રસંગ સહિત કોઈપણ કાર્યક્રમ માટે હવે આખી ટ્રેન અથવા તો કોચ બુક કરવો બહુ સરળ થઈ રહેશે. પોતાના માટે ટ્રેન અથવા કોચ બુક કરવા ઈચ્છુક વ્યક્તિએ હવે સીધો ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટૂરિઝમ કોર્પોરેશન(IRCTC)નો સંપર્ક કરવાનો રહેશે.
દર વર્ષે દેશભરમાં અલગ-અલગ ટ્રેનોમાં 100થી વધુ કોચ લોકો બુક કરતા હોય છે. તે માટે નિયત ભાડા કરતા 35થી 40 ટકા ભાડું વધુ લેવામાં આવે છે. ચોક્કસ માત્રામાં સિક્યોરિટી ડિપોઝિટ પણ ભરવી પડે છે. આ રકમમાં સર્વિસ ટેક્સથી લઈને જીએસટીથી વગેરે ટેક્સનો પણ સમાવેશ થાય છે. કોચ અથવા ટ્રેનનું બુકિંગ જો રદ કરવામાં આવે તો અમુક રકમ બાદ કરીને તેને પાછું રિફંડ કરવામાં આવે છે.
ટ્રેન અને કોચના બુકિંગ માટે આવશ્યક દસ્તાવેજો લાગશે. બુકિંગ કરવા માટે વેબસાઈટ પર આઈડી પાસવર્ડ બનાવવો પડશે. બુકિંગ કરવા પેન નંબર આવશ્યક રહેશે. આ બધી માહિતી વેબસાઈટમાં અપલોડ કર્યા બાદ મોબાઈલમાં ઓટીપી નંબર આવશે, જેના માધ્યમથી વેરિફિકેશન કરવાનું રહેશે. એ સિવાય આધાર કાર્ડ પણ નાખવાનો રહેશે.
IRCTCના કહેવા મુજબ એક કોચ માટે 50,000 રૂપિયા અને 18 કોચની આખી ટ્રેન બુક કરવા માટે 9 લાખ રૂપિયા આપવા પડશે. હોલ્ટિંગ ચાર્જ સાત દિવસ બાદ 10,000 રૂપિયા કોચ દીઠ આપવાના રહેશે. IRCTCની વેબસાઈટ પર જઈને એફટીઆર સર્વિસ વિકલ્પ પસંદ કરીને બાદ આઈડી પાસવર્ડ લોગ ઈન કરવાનું રહેશે. ત્યારબાદ આવશ્યક ડેટા ભરીને ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે.