ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૦ મે ૨૦૨૧
સોમવાર
છત્તીસગઢમાં આતંકનો પર્યાય બની ચુકેલા માઓવાદીઓ કોરોના વાઈરસ અને ફૂડ પોઇઝનિંગથી પીડાય રહ્યા છે. પૂર્વે બસ્તર ક્ષેત્રના માઓવાદીઓ કોરોના જેવો કોઈ રોગ જ ન હોવાની વાતો કરતા હતા. હવે તેઓ પોતે જ કોરોનાનો ભોગ બન્યા છે. પોલીસે નક્સલવાદીઓને આત્મસમર્પણ કરવા અપીલ કરી છે અને તેમને પોતાના ખર્ચે સારવાર કરાવવાની ખાતરી આપી છે.
એક મીડિયા હાઉસ સાથે વાતચીત કરતા રેન્જના આઈજીપી સુંદર રાજે કહ્યું છે કે માઓવાદીઓ સતત કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. પહેલા તેઓ કોરોના મહામારીને મજાકમાં લેતા હતા, પરંતુ હવે માઓવાદી વડા સહિત પક્ષના ઘણા સભ્યોને ચેપ લાગ્યો છે. પોલીસના જણાવ્યા મુજબ, તેમાંથી ઘણા પર લાખોનું ઇનામ જાહેર કરાયું છે. આ સાથે પોલીસે કોરોનાથી સંક્રમિત માઓવાદીઓને આત્મસમર્પણ કરવાની અપીલ કરી છે જેથી ગ્રામીણ લોકોમાં કોરોના ફેલાય નહીં.
પોલીસે માઓવાદીઓને હાંકી કાઢવા ૭ કેમ્પ ગોઠવ્યા છે. કોરોનાના કારણે સમગ્ર રાજ્યમાં લોકડાઉન છે. આવી સ્થિતિમાં દવા અને ખાદ્ય પદાર્થો માઓવાદીઓ સુધી પહોંચતા નથી અને તેઓ જૂની વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યા છે. જેના કારણે માઓવાદીઓને ફૂડ પોઇઝનિંગ થઈ રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે માઓવાદી સુજાતા સહિત ૪૦થી વધુ લોકો કોરોનાથી પીડાય રહ્યા છે. માઓવાદી પક્ષના વડા દંડકારણ્યના સભ્ય માઓવાદી સુજાતા પણ કોરોનાની ચપેટમાં છે. તેના પર ૨૫ લાખ રૂપિયાનું ઇનામ છે.