ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    
મુંબઈ, 21 ઑગસ્ટ, 2021
શનિવાર
પર્યાવરણના જતન માટે કામ કરનારી બિનસરકારી સંસ્થા ગ્લોબલ વિકાસ ટ્રસ્ટના યશકલગીમાં વધુ એક પીંછું ઉમેરાયું છે. સમાન્ય રીતે છોડને વાવ્યા બાદ એને જોવાની કોઈ દરકાર કરતું નથી, ત્યારે છેલ્લાં બે વર્ષમાં ગ્લોબલપર્લી પ્રોજેક્ટ હેઠળ આ સંસ્થાએ વાવેલાં એક કરોડ ઝાડમાંથી 90 ટકા ઝાડ જીવી ગયાં છે.  એટલું જ નહીં સંસ્થાના અથાગ પ્રયાસને કારણે  દેશનો અન્નદાતા કહેવાતા ખેડૂતોની આવકમાં પણ ધરખમ વધારો થયો છે.
પર્યાવરણના જતન માટે બિરદાવાલાયક પ્રવૃત્તિ કરનારી આ બિનસામાજિક સંસ્થાએ દેશના 75મા સ્વાતંત્ર્યદિનની ઉજવણી નિમિત્તે અનોખી સિદ્ધિની જાહેરાત કરી હતી. ગ્લોબલ વિકાસ ટ્રસ્ટના ચીફ ટ્રસ્ટી મયંક ગાંધીએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે પર્યાવરણનું જતન કરવાની સાથે જ ખેડૂતોની આવકમાં વધારો કરવાનો પ્રોજેક્ટ હાથમાં લેવામાં આવ્યો હતો. જે હેઠળ છેલ્લાં બે વર્ષમાં મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં એક કરોડથી પણ વધુ ઝાડનું પ્લાન્ટેશન કરવામાં આવ્યું હતું. એમાંથી 90 ટકાથી વધુ ઝાડ સર્વાય થયાં છે. સામાન્ય રીતે એક વખત છોડ લગાવી દીધો ત્યાર બાદ એની તરફ કોઈ ધ્યાન આપતું નથી. પરંતુ અમે લોકોએ ઝાડ લગાવ્યા બાદ પણ એનું એટલું જ જતન કર્યું, એને કારણે 90 ટકા ઝાડ જગી ગયાં છે. આ ઝાડમાં ફળ-ફ્રૂટ આપનારાં ઝાડ તથા શરગવાની શિંગ સહિત લિંબુનાં ઝાડ વગેરેનો પણ સમાવેશ થાય છે. જે ખેડૂતોની જમીન પર વાવવામાં આવ્યાં હતાં.
આ પ્રોજેક્ટ હેઠળ ખેડૂતો પણ આર્થિક રીતે સધ્ધર થયા હોવાની માહિતી આપતાં મયંક ગાંધીએ જણાવ્યું હતું કે ખેડૂતો ભારે મહેનત બાદ કમાઈ શકતા નહોતા. એથી તેમને આર્થિક રીતે સધ્ધર કરવા,ઉત્પાદનમાં વધારો કરવાની યોજના બનાવી હતી. એ હેઠળ  તેમની જમીન પર એવાં ફ્રૂટ અને શાકભાજીના છોડ અને પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું, જેનાથી તેમની આવકમાં 10 ગણો વધારો થયો છે. આ પાકને કારણે ખેડૂતોની આવકમાં તો વધારો થયો છે, પણ સાથે જ ગ્રીનરીનું પ્રમાણ પણ વધ્યું છે. પર્યાવરણને પણ બહેતર બનાવવાનો પ્રયાસ સફળ રહ્યો છે.
હવે પછીનો લક્ષ્યાંક મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ સહિત અન્ય રાજ્ય હશે એવું બોલતાં મયંક ગાંધીએ જણાવ્યું હતું કે આગામી સમયમાં દેશનાં અન્ય રાજ્યોમાં આ પ્રોજેક્ટ હાથ ધરીશું, જેમાં વૃક્ષોનું વાવેતર કરીને પર્યાવરણનું તો રક્ષણ થશે પણ સાથે જ ખેડૂતોની પણ આવક વધશે. જોકે એ માટે હવે અમને ફંડની પણ આવશ્યકતા છે. અત્યાર સુધી સંસ્થાના સભ્યોએ પોતાના મિત્રો-સંબંધીઓ પાસેથી ડૉનેશન મેળવ્યું હતું, પરંતુ હવે પ્રોજેક્ટને વધુ વિસ્તારવો છે. એ માટે વધુ ને વધુ લોકો આ પ્રોજેક્ટ માટે ડોનેટ કરે એવી અમારી વિનંતી છે.
 
 
			         
			         
                                                        