ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 11 ડિસેમ્બર 2021
શનિવાર.
બુટ-ચપ્પલ એ એવી વસ્તુ છે જેનો ઉપયોગ દરેક વ્યક્તિ પોતાના રોજિંદા જીવનમાં કરે છે. પરંતુ, શું તમે ક્યારેય ગાયના છાણમાંથી બનેલા ચપ્પલ વિશે સાંભળ્યું છે? જી હા, તમે એકદમ બરાબર વાંચ્યું. આ ખાસ ચપ્પલ છત્તીસગઢની રાજધાની રાયપુરમાં બનાવવામાં આવી રહી છે. રાયપુરના પશુપાલક રિતેશ અગ્રવાલે એક અનોખો કીમિયો અજમાવીને પ્લાસ્ટિકના બદલે ગાયના છાણનો ઉપયોગ કરીને ચપ્પલ બનાવ્યા છે.
ગાયના છાણના ચપ્પલ બનાવતા પશુપાલક રિતેશ અગ્રવાલનું માનવું છે કે દેશમાં મોટી સંખ્યામાં ગાયો પ્લાસ્ટિકનું સેવન કર્યા પછી બીમાર પડે છે અને તેમાંથી ઘણી ગાયો મૃત્યુ પણ પામે છે. આવી સ્થિતિમાં દરેક વ્યક્તિએ પ્લાસ્ટિકનું ઉત્પાદન ઘટાડવાનો પ્રયાસ કરવો જોઈએ. તેઓ આ ચપ્પલ ગોહર ગુંદર, આયુર્વેદિક ઔષધિઓ, ચૂનો અને ગાયના છાણના પાવડરનું મિશ્રણ કરીને બનાવે છે.
રિતેશ અગ્રવાલ ચપ્પલ બનાવવાની સાથે તે ગાયના છાણની મદદથી ચપ્પલ, દીવા, ઈંટો અને ભગવાનની મૂર્તિઓ પણ બનાવે છે. અહીં મહિલાઓ 1 કિલો ગાયના છાણમાંથી 10 ચપ્પલ બનાવે છે. ગાયના છાણમાંથી બનેલા ચપ્પલ ઘરમાં, બહાર કે ઓફિસમાં ગમે ત્યાં પહેરી શકાય છે. આ ચપ્પલની ખાસિયત એ છે કે 3 થી 4 કલાક પાણીમાં પલાળ્યા પછી પણ તે બગડતી નથી, જો કોઈ ચપ્પલ ભીની થઈ જાય તો તડકો બતાવ્યા પછી તે ફરીથી પહેરવાલાયક બની જાય છે.
જોકે આ ચપ્પલ ખાસ બીપી અને શુગરને કંટ્રોલ કરવા માટે સેમ્પલ તરીકે બનાવવામાં આવ્યા હતા. આ ચપ્પલના સ્વાસ્થ્ય લાભો જાણવા માટે દરરોજ ચપ્પલ પહેરતી વખતે અને ઉતારતી વખતે બીપી અને શુગર ચેક કરવાનું કહેવામાં આવ્યું છે, જેના સકારાત્મક પરિણામો જોવા મળી રહ્યા છે. આ સેન્ડલની કિંમત 400 રૂપિયા છે અને અત્યાર સુધીમાં લગભગ એક ડઝન ચપ્પલ વેચાઈ ચૂકી છે અને 1000નો ઓર્ડર આપવામાં આવ્યો છે.