ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
23 સપ્ટેમ્બર 2020
કોલેજ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે કેન્દ્ર સરકારે કોરોના કટોકટી વચ્ચે નવા વર્ષના શૈક્ષણિક વર્ગો 1લી નવેમ્બર, 2020થી શરૂ કરવાની જાહેરાત કરી છે. તેની માટે ચાલુ શૈક્ષણિક વર્ષનું ટાઇમટેબલ પણ બહાર પાડવામાં આવ્યું છે. આમ તો સામાન્ય રીતે દેશમાં જુલાઇમાં કોલેજમાં અભ્યાસક્રમ શરૂ થઇ જાય છે, પરંતુ ચાલુ વર્ષે જીવલેણ મહામારી કોરોનાની કટોકટીના પગલે હાલ વર્ગો શરૂ થયા નથી.
યુજીસી દ્વારા જારી કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા મુજબ, અંડરગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટના પહેલા વર્ષમાં 31 ઓક્ટોમ્બર સુધી પ્રવેશ પ્રક્રિયા થશે. શિક્ષણ માં ગયેલી ખોટ માટે સપ્તાહમાં છ દિવસ અભ્યાસ કરવો જોઈએ અને અભ્યાસ દરમિયાન આ વર્ષે શિયાળા અને આવતા વર્ષે ઉનાળાની રજાઓ તથા અન્ય રજાઓમાં કાપ મુકવામાં આવશે. સત્રમાં મોડુ થવાના કારણે ચાલી રહેલા પાઠ્યક્રમોને પુરો કરવા માટે રજામાં કાપ મુકવામાં આવ્યો હોવાનું યુજીસીએ પોતાના દિશા નિર્દેશમાં કહ્યું છે.
આ શૈક્ષણિક વર્ગો ફેબ્રુઆરીના અંત સુધી ચાલશે. ત્યારબાદ પરીક્ષાની તૈયારી માટે એક અઠવાડિયાનો વિરામ મળશે. માર્ચ 2021માં, આ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. કેન્દ્રીય શિક્ષણ પ્રધાને કહ્યું કે આ વિદ્યાર્થીઓ માટેનું આગામી શૈક્ષણિક સત્ર ઓગસ્ટ 2021માં શરૂ થશે. જોકે, મંત્રીએ સ્પષ્ટતા કરી નથી કે કોલેજમાં શૈક્ષણિક વર્ગ ઓલલાઇન લેવામાં આવશે કે ફિઝિકલ લેક્ચર લેવાશે. મહામારીને ધ્યાનમાં લેતા, સંભવ છે કે પ્રારંભિક થોડા અઠવાડિયા સુધી ઓનલાઇન લેક્ચર જ ભણાવવામાં આવે.