ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૪ મે ૨૦૨૧
સોમવાર
હાલમાં જ ઍલૉપથી પર આપેલા નિવેદનના કારણે વિવાદમાં ફસાયેલા બાબા રામદેવની કંપની પતંજલિ માટે ખરાબ સમાચાર આવ્યા છે. કંપનીના ડેરી પ્રોડક્ટના સીઈઓ સુનીલ બંસલનું કોરોનાને કારણે નિધન થયું છે. સુનીલ બંસલનું નિધન ૧૯ મેના રોજ થયું હતું, હવે આ સમાચારને એક પ્રતિષ્ઠિત અંગ્રેજી મીડિયા હાઉસે સુનીલના સાથીદારોને ટાંકીને બહાર પાડ્યો છે.
અહેવાલો અનુસાર સુનીલનાં ફેફસાં સંક્રમણને કારણે બગડ્યાં હતાં. તેને બ્રેન હેમરેજ પણ થઈ ગયું હતું. ત્યાર બાદ સુનીલે ૧૯ મેના રોજ હૉસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા. ડેરી વિજ્ઞાનના તજ્જ્ઞ સુનીલ બંસલે ૨૦૧૮માં બાબા રામદેવની કંપની પતંજલિ આયુર્વેદના ડેરી વ્યવસાયને સંભાળી લીધો હતો. આ સમયે પતંજલિ કંપનીએ પનીર સહિતનાં દૂધ, દહીં, છાશ અને અન્ય દૂધનાં ઉત્પાદનો વેચવાની યોજના જાહેર કરી હતી.
નિવેદન આપીને બાબા રામદેવ ફસાયા : હવે આરોગ્ય વિભાગે આંખો કાઢી; જાણો શું છે મામલો
ઉલ્લેખનીય છે કે સુનીલ બંસલ છેલ્લા કેટલાક દિવસથી ECMO પર રાખવામાં આવ્યા હતા. દર્દીનાં જ્યારે હૃદય અને ફેફસાં કાર્ય કરવાનું બંધ કરે ત્યારે દર્દીને ECMO અથવા એક્સ્ટ્રા કૉર્પોરિયલ મેમબ્રન ઑક્સિજનેશન મશીન પર મૂકવામાં આવે છે.