ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૫ મે ૨૦૨૧
મંગળવાર
દિલ્હીના છત્રસાલ સ્ટૅડિયમ ખાતે થયેલી સાગર રાણાની હત્યાના કેસમાં મુખ્ય આરોપી સુશીલકુમારને આજીવન કેદ અથવા ફાંસીની સજા થઈ શકે છે. દિલ્હી હાઈ કોર્ટના વકીલ પ્રશાંત મનચંદાએ એક મીડિયા હાઉસને જણાવ્યું કે ‘’સુશીલકુમાર પર અપહરણ, હત્યા અને ગુનાહિત ષડ્યંત્રનો આરોપ છે. આ આરોપ સાબિત થાય તો તેને ઓછામાં ઓછી આજીવન કેદ અને વધુમાં વધુ ફાંસીની સજા સંભળાવવામાં આવી શકે છે.” આ સિવાય તેને દંડ પણ ફટકારવામાં આવે એ પણ સંભાવના છે.
ઑલિમ્પિક મેડલ વિજેતા સુશીલકુમારને પોતાની ભૂલનો પસ્તાવો થઈ રહ્યો છે. તે લૉકઅપમાં રડવા લાગ્યો હતો. પોલીસ સામે તેણે કબૂલાત કરી હતી કે તે સાગર રાણાને માત્ર ડરાવવા માગતો હતો. તેણે રડતાં-રડતાં સિનિયર અધિકારીને કહ્યું હતું કે તેણે માત્ર ડરાવવાના હેતુસર મારપીટ કરી હતી અને એટલા માટે જ ત્યાં હથિયાર પણ લાવ્યો હતો, પરંતુ સાગરને મારપીટ દરમિયાન ગંભીર ઈજા થતાં તેનું મોત નીપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે 4 મેના રોજ બનેલી આ ઘટના બાદ આરોપી ત્યાંથી ભાગી ગયો હતો. રવિવારે તેની ધરપકડ કરવામાં આવી હતી. સુશીલકુમાર બે વાર ઑલિમ્પિકમાં મેડલ હાંસલ કરી ચૂક્યો છે.