ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૨ મે ૨૦૨૧
શનિવાર
દેશનાં અનેક રાજ્યોએ કોરોના સંક્રમણને અટકાવવા લોકડાઉન અથવા આંશિક લોકડાઉન જેવા વિકલ્પ પસંદ કર્યા છે. એક તરફ જ્યાં લોકોને મોટો આર્થિક ફટકો પડી રહ્યો છે, એવામાં બીજી તરફ પ્રદૂષણ ઓછું થતાં પ્રકૃતિના સૌંદર્યમાં ચાર ચાંદ લાગી ગયા છે. ઉત્તરપ્રદેશમાં વરસાદ અને લોકડાઉનથી પ્રદૂષણ ઓછું થયું છે. એથી, હિમાલયનાં શિખર ઉત્તર પ્રદેશના પશ્ચિમમાં આવેલા સહારનપુર જિલ્લામાંથી સીધાં જોઈ શકાય છે.
સહારનપુરના લોકો તેમના ઘરની અગાસી પર જઈ પ્રકૃતિનું આ સૌંદર્ય માણી રહ્યા છે. સહારનપુરના રહેવાસી ડૉ. વિવેક બેનર્જી દ્વારા પાડવામાં આવેલો એક હિમાલયનો ફોટો સોશિયલ મીડિયા પર શૅર કરતાં વનવિભાગ સાથે જોડાયેલા અધિકારી રમેશ પાંડેએ લખ્યું કે “આ એક અદભુત દૃશ્ય છે. બે દિવસના વરસાદથી વાતાવરણ સાફ થઈ ગયું છે અને હિમાલય દેખાય છે.” પ્રદૂષણથી આ દૃશ્ય દુર્લભ બન્યું હતું.
ઘરેબેઠાં આટલું લાંબું હિમાલય સુધીનું દૃશ્ય જોઈ અનેક લોકો દંગ રહી ગયા હતા. હિમાલયના ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ફોટા જોઈને નેટીઝન પણ આશ્ચર્યચકિત થઈ ગયા છે અને પ્રદૂષણની ચર્ચા કરી રહ્યા છે.