ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021
સોમવાર
શહેરના વ્યસ્ત અને તાણયુક્ત જીવનથી કંટાળી ગયા છો? તેમાંથી ઘડીભર શાંતિ મેળવવાની ઇચ્છા છે? તો ભારતનાં આ ત્રણ ગામો વિશે જાણી લો. જેમને નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઑર્ગેનાઇઝેશન ઍવૉર્ડ આપવા માટે બેસ્ટ ટૂરિઝમ વિલેજની શ્રેણીમાં નોમિનેટ કરાયાં છે.
મેઘાલયનું કોંગથોંગ ગામ, મધ્ય પ્રદેશનું લાધપુર ખાસ અને તેલંગણાનું પોચમપલ્લી. આ ત્રણ ગામો પર્યટકોનાં પ્રિય સ્થળોની યાદીમાં સ્થાન મેળવી શકે તેવાં છે.
જેમાંથી કોંગથોંગ ગામ એ તેના પ્રાકૃતિક સૌંદર્ય અને વિશિષ્ટ સંસ્કૃતિ માટે જાણીતું છે. આ ગામ વિસ્લિંગ વિલેજ તરીકે ઓળખાય છે. જ્યાં બાળકના જન્મ સાથે જ તેને એક વિશેષ પ્રકારની ધ્વનિ સાથે જોવામાં આવે છે. જે ધ્વનિ તેની સાથે જીવનભર જોડાયેલો રહે છે.
નેશન્સ વર્લ્ડ ટૂરિઝમ ઑર્ગેનાઇઝેશન દ્વારા પોતાના રાજ્યનું ગામ પસંદ પડવાની ખુશી વ્યક્ત કરતાં મેઘાલયના મુખ્ય મંત્રી કોનરાડ સંગમાએ આ ત્રણ ગામોના નોમિનેશન વિશે ટ્વિટર પર માહિતી આપી હતી. જ્યારે મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી શિવરાજ ચૌહાણે ટ્વીટ કરીને કહ્યું હતું કે લાધપુર ગામની બેસ્ટ ટૂરિઝમ વિલેજમાં પસંદગી થવાનો ગર્વ છે અને તેમણે મધ્ય પ્રદેશ ટૂરિઝમ અને પ્રશાસનની આખી ટીમને શુભેચ્છા આપી હતી.