ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૯ મે ૨૦૨૧
બુધવાર
કોરોનાના કપરા સમયમાં અંચલ ગ્રામીણ પ્રદેશના ધારાસભ્યે સરાહનીય કામગીરી કરી છે. પ્રદેશના ગ્રામીણ વિસ્તારોમાં ઍમ્બ્યુલન્સ સેવા ન હોવાથી આ ધારાસભ્યે દર્દીઓ માટે પોતાની કીમતી ગાડી દાનમાં આપી છે. આ પગલાની ઘણા લોકો દ્વારા પ્રશંસા થઈ રહી છે.
કૉન્ગ્રેસના આ ઉદાર ધારાસભ્યનું નામ લક્ષ્મણસિંહ છે. લક્ષ્મણસિંહ દિગ્વિજય સિંહના નાના ભાઈ છે. દસ દિવસ પહેલાં લક્ષ્મણસિંહે જિલ્લા વહીવટી તંત્ર પાસેથી ઍમ્બ્યુલન્સની માગ કરી હતી. તેમણે કહ્યું હતું કે લક્ષ્મણસિંહના વિધાનસભા મતવિસ્તારના અંચલ ગામમાં કોરોનાથી સંક્રમિત દર્દીઓ માટે આરોગ્ય કેન્દ્ર કેહૉસ્પિટલ પહોંચાડવા માટે ઍમ્બ્યુલન્સની સુવિધા નથી. જોકેજિલ્લા વહીવટીતંત્રે આ તરફ આંખ મીંચામણાં કર્યાં હતાં.
લક્ષ્મણસિંહે ત્યાર બાદ પોતાની લક્ઝરી ફોર્ચ્યુનર દર્દીઓ માટે વાપરવા આપવાનું નક્કી કર્યું. તેમણે મંગળવારે વાહનને ઍમ્બ્યુલન્સમાં ફેરવી અને દર્દીઓના પરિવહન માટે આપી દીધી હતી. આ બાબતે લક્ષ્મણે એક મીડિયા હાઉસને કહ્યું હતું કે “માનવજીવન કરતાં મૂલ્યવાન કંઈ નથી. આ કાર આજે અથવા આવતીકાલે લઈ શકાય છે, પરંતુ એ આજે ઘણા દર્દીઓ માટે ઉપયોગી થશે. તેમનો જીવ બચશે. દર્દીઓ ઍમ્બ્યુલન્સ કરતાં ઓછા સમયમાં આ વાહન દ્વારા સમયસર હૉસ્પિટલ પહોંચશે.”