ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૮ મે ૨૦૨૧
મંગળવાર
સૌરાષ્ટ્રમાં તબાહી મચાવ્યા બાદ તાઉતે વાવાઝોડું અમદાવાદ પહોંચી ચૂક્યું છે. એને કારણે અમદાવાદીઓ માટે આગામી છથી આઠ કલાક અતિમહત્વપૂર્ણ છે, એવું જિલ્લા કલેક્ટર સંદીપ સાંગલેએ મીડિયાને જણાવ્યું છે. હાલ અમદાવાદ શહેરમાં ૩૮ કિમીની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યો છે. મ્યુનિસિપલ મુકેશકુમારે અને જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ કરી છે.
અમદાવાદના કલેકટર સંદીપ સાગલેએ એક મીડિયા હાઉસને જણાવ્યું હતું કે આગામી છથી આઠ કલાક અમદાવાદ માટે અગત્યના છે. અમદાવાદમાં ભારે પવન અને વરસાદ થશે એમ કહેવાઈ રહ્યું છે. માંડલ, ધોલેરા, ધંધુકા, વિરમગામમાંથી લોકોને સ્થળાંતર કરવામાં આવ્યા છે. અમદાવાદમાં બે એનડીઆરએફની ટીમ તહેનાત કરવામાં આવી છે. ૩૫ જેટલા શેલ્ટર હોમની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં લોકોને સ્થળાંતર કરાયા છે. વાવાઝોડાને પગલે અનેક વિસ્તારમાં વીજળીની પણ સમસ્યા નિર્માણ થઈ છે.
ઉલ્લેખનીય છે કે શહેરમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે અને જોરદાર પવન પણ ફૂંકાઈ રહ્યો છે. ભારે પવનના કારણે અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયાં છે.