ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૧ મે ૨૦૨૧
શુક્રવાર
હાલમાં IIM અમદાવાદના પ્લેસમેન્ટ દ્વારા હિતેશ સિંહને કન્ટ્રી ડિલાઇટના ઍસોસિયેટ મૅનેજર તરીકેની નોકરી મળી ગઈ છે. હિતેશના પંકજ સિંહ પિતા અમુલ કંપનીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. હિતેશ પહેલેથી જ ડેરી સેક્ટરમાં કામ કરવા ઇચ્છતો હતો. આજે તેની મહેનત રંગ લાવી છે અને તેનું સપનું હવે સાકાર થયું છે.
તે આર. એસ. સોઢીને પોતાના રોલ મૉડલ માને છે, જે હાલ ગુજરાત કૉ-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)નાડિરેક્ટર છે. જે અમુલ કંપનીનું માર્કેટિંગ કરે છે. હિતેશે ગુજરાતી માધ્યમની શાળામાં અભ્યાસ કરી ત્યાર બાદ બારમા ધોરણમાં ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર અને ગણિતમાં ૯૭ પર્સનટાઇલ મેળવ્યા છે. તેણે એસએમઈ કૉલેજ ઑફ ડેરી સાયન્સમાંથી બીટેક દરમિયાન ડેરી ટેક્નોલોજીમાં ટૉપ પણ કર્યું છે. હિતેશે ક્યારેય ટ્યુશન કર્યું નથી અને સ્કૉલરશિપ મેળવીને ભણ્યો છે. IIM અમદાવાદથી ફૂડ અને એગ્રી બિઝનેસ મૅનેજમેન્ટમાં પોસ્ટ ગ્રૅજ્યુએશન કર્યું છે, એ માટે પણ તેને શિષ્યવૃત્તિ મળી હતી.
ઉલ્લેખનીય છે કે હિતેશના પિતા પકંજ સિંહ પરિવાર સહિત બિહારથી આવ્યા હતા અને ગુજરાતના આણંદમાં સ્થાયી થયા હતા. શરૂઆતના દિવસોમાં તેમણે સિક્યૉરિટી ગાર્ડ તરીકે કામ કર્યું હતું. ત્યાર બાદ તેમણે ડ્રાઇવિંગ શીખી ૨૦૦૭માં નોકરી શરૂ કરી હતી.