ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 13 ઑગસ્ટ, 2021
શુક્રવાર
પીવાના પાણીનો મુખ્ય સ્રોત વરસાદનું પાણી છે. છતાં વરસાદી પાણી દરિયામાં વહી જતું હોય છે. મુંબઈ મહાનગરપાલિકાએ દરેક હાઉસિંગ સોસાયટી માટે રેન વૉટર હાર્વેસ્ટિંગ ફરજિયાત કર્યું છે, પરંતુ મોટા ભાગની સોસાયટી પાલિકાના આ નિયમને ઘોળીને પી ગઈ છે. પર્યાવરણનું જતન કરવા અને વૉટર કન્ઝર્વેશન માટે પણ વર્ષોથી જહેમત કરી રહેલા સોશિયલ ઍક્ટિવિસ્ટ શુભોજિત મુખર્જી સ્વાતંત્ર્યદિન નિમિત્તે એક નવો કોન્સેપ્ટ લઈ આવ્યા છે. વરસાદી પાણીનું જતન કરવા માટે તેઓ હાઉસિંગ સોસાયટીને રેન વૉટર પર્કોલેશન બૅરલ (પાણીની ટાંકી) મફત આપવાના છે. સોસાયટીએ આ બૅરલ તેમની સોસાયટીમાં બેસાડવાની રહેશે, જેમાં વરસાદી પાણીનો સંગ્રહ થશે.
મિશન ગ્રીન મુંબઈ હેઠળ પોતાના નવા કોન્સેપ્ટ બાબતે શુભોજિત મુખર્જીએ ન્યુઝ કન્ટિન્યુઝને જણાવ્યું હતું કે કૉન્ક્રીટાઇઝેશનને કારણે રસ્તા પર પડતું વરસાદનું પાણી જમીનની અંદર જતું નથી. એથી આપણી જમીન ગરમ થઈ ગઈ છે. આ વરસાદી પાણી ગટર મારફત દરિયામાં ઠલવાઈ જતું હોય છે. પાણી જમીનમાં અંદર જતું ન હોવાથી પર્યાવરણને તો નુકસાન થાય છે, પણ એને કારણે આપણા આરોગ્ય સામે પણ જોખમ ઊભું થયું છે. એથી એનો ઉપાય રેન વૉટર હાર્વેસ્ટિંગ છે. જેના થકી જમીનની અંદર વરસાદનું પાણી ઠાલવી શકાય. પાલિકાએ તો રેન વૉટર હાર્વેસ્ટિંગ હાઉસિંગ સોસાયટીઓ માટે ફરજિયાત કર્યું છે. કેટલીક સોસાયટી એનું પાલન કરે છે એ ખબર નથી, પરંતુ અમે લોકોએ વરસાદી પાણીનો સંગ્રહ કરવા માટે સોસાયટીઓને, નાગરિકોને પ્રોત્સાહન આપવાનો નિર્ણય લીધો છે.
રવિવારથી અમારી રેન વૉટર હાર્વેસ્ટિંગ ઝુંબેશ ચાલુ થશે એવી માહિતી આપતાં શુભોજિત મુખર્જીએ જણાવ્યું હતું કે જમીનની અંદર પાણી જવું જરૂરી છે. અમે દરેક સોસાયટીઓને રેન વૉટર પર્કોલેશન બૅરલ આપવાના છીએ. આ બૅરલ હાઉસિંગ સોસાયટીમાં સ્ટ્રોમ વૉટર ડ્રેનેજ લાઇન હશે ત્યાં બેસાડવાની રહેશે. ડ્રેનેજ લાઈનની નીચે મોઢા પાસે જમીનની નીચે બે ફૂટ ઊંડો ખાડો કરીને આ બૅરલ બેસાડવાની રહેશે. જેમાં વરસાદનું પાણી સંગ્રહ થઈને તે જમીનની અંદર સીધું ઊતરી જશે.
અમારી પાસે આવી 1,000 બૅરલ છે, જે પણ હાઉસિંગ સોસાયટી પોતાની સોસાયટીના કમ્પાઉન્ડમાં બેસાડવા માગતી હોય તેઓ અમને ઈ-મેઇલ મારફત સંપર્ક કરી શકે છે. આ ડ્રમ સંપૂર્ણપણે મફતમાં આપવામાં આવશે. તેઓ કાંદિવલીથી આ બૅરલ મેળવી શકે છે. દરેક સોસાયટીને એકથી બે બૅરલ મફત આપવામાં આવશે. 15 ઑગસ્ટથી અમારી આ ઝુંબેશ લૉન્ચ કરવામાં આવી રહી છે. ખાનગી કંપનીએ અમને આ બૅરલ આપી છે એવું શુભોજિતે જણાવ્યું હતું.
આ ઈ-મેઇલ આઇડી પર હાઉસિંગ સોસાયટી પોતાના લેટર હેડ પર બૅરલ માટે પત્ર લખી શકે છે. Topurgent@gmail.com