ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
12 જાન્યુઆરી 2021
ખાનગી રીક્ષા ટેક્ષી ડ્રાઇવરો દ્વારા થતી લૂંટનો મામલો ઘણી વખત સામે આવ્યો છે. પરંતુ આ વખતે એપ્લિકેશન આધારિત કેબનું નામ પ્રવાસીઓને છેતરવામાં સામે આવ્યું છે. એપ આધારીત કેબ ડ્રાઈવરો દ્વારા ચલાવાતું કૌભાંડ પોલીસે પકડી પાડયું છે. ધરપકડ કરાયેલા ત્રણ સિવાય અન્ય 33 એપ્લિકેશન આધારિત કેબ ડ્રાઇવરોએ પણ વિવિધ સ્તરે ગેરકાયદેસર રીતે ભાડું વસુલ્યાનું જણાયું છે.
મુંબઈ પોલીસે આ મહિનાની શરૂઆતમાં ફાઇલ કરેલી ચાર્જશીટમાં ખુલાસો કર્યો છે કે ભાડા વધારા માટે કેબ વાળા, સોફટવેરમાં હેરાફેરી કરી રહયાં છે. વિશેષ કરીને એરપોર્ટથી બેસતા પ્રવાસીઓને આ કેબ વાળા લૂંટતા હતાં.
તપાસ દરમ્યાન પોલીસ અધિકારી આસીસ્ટન્ટ ઈન્સ્પેક્ટર જયેશ ઠાકુરે મુંબઈમાં 1લી જાન્યુઆરી, 2019 થી 15 ડિસેમ્બર, 2020ના બે વર્ષના ગાળા દરમ્યાન તેમને આ 36 કેબના અંદાજીત અને ખરા ભાડા વચ્ચે રૂ.. 31,44,489 નો તફાવત હોવાની જાણ થઈ. ટકાવરીના હિસાબે કાયદેસરના ભાડાથી આ તફાવત 20 ટકા વધુ હતો. જેના હિસાબે રૃા. 6,28,897 નો તફાવત મળી આવ્યો હતો.
પણ તપાસ દરમ્યાન પોલીસની જાણમાં આવ્યું કે કેટલાક ડ્રાઈવરો પુલ પર ચડતી કે ઉતરતી વખતે વારંવાર ઓલા એપની જૂની આવૃત્તિ લાગુ કરી દેતા હતા. એપમાં ફેરફારને કારણે કેબ પુલની ઉપર હોવા છતાં તે પુલની નીચે હોવાનું દર્શાવતી હતી. પરિણામે, એપ વારંવાર સ્વિચ ઓફ અને ઓન કરવાથી એપમાં વારંવાર ગણતરી કરવી પડતી હતી જેના કારણે અંતરમાં વધારો નોંધાતો હતો અને પરિણામે ભાડુ વધી જતું હતું.
આ સમગ્ર કૌભાંડની ત્યારે જાણ થઈ જ્યારે ક્રાઈમ બ્રાન્ચ (યુનિટ ૧) ની એક ટીમને મુંબઈ એરપોર્ટ ખાતે આ ઓપરેશનની બાતમી મળી. આખરે જ્યારે પોલીસને ડ્રાઈવરો એપ સાથે ચેડા કરતા હોવાની ખાતરી થઈ ત્યારે 1લી નવેમ્બરે 3 ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી. સાથે સાત યાત્રીઓના નિવેદનો પણ રજૂ કરાયા જેમની સાથે આ જ પ્રકારે છેતરપિંડી થઈ હતી.
