ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૦૬ મે ૨૦૨૧
ગુરુવાર
મહારાષ્ટમાં ૧૫ મે સુધી સરકારે કડક નિર્બંધો લગાવ્યા છે. તેથી ઘણા શૂટિંગ ગોવામાં થઈ રહ્યા છે. ગોવામાં પણ કોરોનાની પરિસ્થિતિ કથળતી જઈ રહી છે. સરકારે કોરોનાને કાબુ કરવા પ્રતિબંધો પણ લાદ્યા છે. તેવામાં ગોવાની પોલીટીકલ પાર્ટીએ એક રિયાલીટી શોનું શૂટિંગ અટકાવ્યું હતું.
ગોવા ફોરવર્ડ પાર્ટીના પ્રેસિડન્ટ અને ફટોરડા વિસ્તારના ભૂતપૂર્વ એમએલએ વિજય સરદેસાઈએ સાથે મળી મડગાવ વિસ્તારમાં ચાલી રહેલા કલર્સ મરાઠી પર પ્રસારિત થતા સિંગિંગ રિયાલીટી શો ‘સુર નવા ધ્યાસ નવા’નું શૂટિંગ અટકાવ્યું હતું.
વિજય સરદેસાઈએ પોતાના આધિકારિક ટ્વીટર હેન્ડલ પર એક વિડિયો મુક્યો હતો જેમાં દેખાતું હતું કે શૂટિંગ વખતે કોરોના નિયમોનું પાલન થઈ રહ્યું ન હતું. તેમના ત્યાં અચાનક પહોચતા લોકોએ માસ્ક પહેર્યા હતા. ઉપરાંત સોશિયલ ડીસટન્સિંગનું પણ પાલન થતું ન હતું.
ઉલ્લેખનીય છે કે રિયાલીટી શો સુપર ડાન્સર અને ઇન્ડિયન આઈડલનું શૂટિંગ દમણમાં અને ડાન્સ દીવાનેનું શૂટિંગ બેંગ્લોરમાં શિફ્ટ કરવામાં આવ્યું છે.