ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૫ મે ૨૦૨૧
મંગળવાર
ભારતમાં ઘરે-ઘરે ચાના રસિયા જોવા મળે છે. સામાન્ય રીતે લારી પર ચાની કિંમત ૧૦થી ૨૦ રૂપિયા છે. મોટી હોટેલોમાં ૧૦૦૦ રૂપિયા સુધીની પણ ચા મળતી હોય છે, પરંતુ જો કોઈ તમારી પાસે એક ચાના ૨૦ લાખ રૂપિયા માગે તો? શું તમે જાણો છો વિશ્વની સૌથી મોંઘી ચા કઈ છે?
આ ચાનું નામ છે ‘દા હૉન્ગ પાઓ ટી', જેની માત્ર ૨૦ ગ્રામની કિંમત આશરે ૨૦ લાખ રૂપિયા જેટલી છે. એક મીડિયા હાઉસના અહેવાલ મુજબ ચીનમાં ૨૦૦૨માં એક શખ્સે ૨૦ ગ્રામ ધી હૉન્ગ પાઓ ટી ખીરીદી હતી જેના માટે તેણે ૧.૮૦ લાખ યુઆન ચૂકવ્યા હતા. ભારતમાં રૂપિયા પ્રમાણે એની કિંમત ૨૦.૪૩ લાખ રૂપિયા જેટલી થાય છે. આ હિસાબે એક કિલોનો ભાવ 9 કરોડ રૂપિયા થયો. ચીનમાં મીંગ શાસન દરમિયાન એકવાર અચાનક જ તત્કાલીન મહારાણીની તબિયત લથડી હતી. જે બાદ ચિકિત્સકોએ તેમને આ ચા પીવડાવી હતીઅને મહારાણી સાજાં થઈ ગયાં હતાં.
ઉલ્લેખનીય છે કે આ ચાનું નામ અગાઉ કંઈક બીજું હતું અને ઉપરોક્ત ઘટના બાદ મહારાજાએ આ ચાની ખેતી કરવા આદેશ આપ્યો હતો. ત્યાર બાદ એને આ નામ મળ્યું હતું. દાવો છે કે આ ચા પીવાથી શરીરની અનેક ગંભીર બીમારીઓથી લડી શકાય છે, જેને કારણે આ ચાની કિંમત હંમેશાંથી ખૂબ વધુ જ રહી છે.