પર્યાવરણ તથા પ્રકૃતિનું અભિન્ન અંગ એટલે સિંહ. લોકોમાં જાગૃતિ લાવવા માટે અને વન્યપ્રાણી સિંહ પ્રત્યે સંવેદના કેળવાય એ માટે છેલ્લા ઘણા સમયથી 10 ઓગષ્ટના રોજ વિશ્વ સિંહ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. એક સમયે લુપ્ત થવાને આરે પહોંચી ગયેલ સિંહોની સંખ્યામાં હાલ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સિંહો પ્રત્યે સરકારની અસરકારક કામગીરી, વનતંત્રની સતર્કતાથી આજે લોકોમાં સિંહો પ્રત્યેના સહકારની ભાવના જોવા મળી રહી છે. જેથી કરીને જે સિંહો ગીર વિસ્તારમાં જ વસવાટ કરતા એ સિંહો આજે નિર્ભય થઈ સૌરાષ્ટ્રમાં અનેક સ્થળોએ વસવાટ કરી વિહરે છે. જે લોકજાગૃતિને આભારી છે. આજે લોકો પણ સિંહોની કાળજી પ્રત્યે જાગૃત થયેલ છે. ઉલ્લેખનીય છે કે ગીરના સિંહો પ્રત્યે વિદેશમાં પણ એક અલગ ક્રેઝ જોવા મળી રહ્યો છે. વિશ્વના અનેક પ્રાણી સંગ્રહાલયોમાં ગીર-સૌરાષ્ટ્રના સિંહોની એક ખાસ માંગ જોવા મળી રહી છે.
દર વર્ષે વનવિભાગ દ્વારા પાંચ જિલ્લાઓની તમામ શાળા ના લાખો વિદ્યાર્થીઓની રેલી કાઢી સિંહ દિવસની ઉજવણી કરવામાં આવે છે પરંતુ આ વખતે કોરોના મહામારીના લીધે સોશિયલ મીડિયાના માધ્યમથી વનવિભાગ દ્વારા વિશ્વ સિંહ દિવસ ની ઉજવણી કરવામાં આવી રહી છે પરંતુ સિંહ પ્રેમીઓની લાગણી છે કે આ વર્ષે મોટી સંખ્યામાં સિંહોના મોત થયા હોવાથી સિંહ દિવસની ઉજવણી ટાળીને વનતંત્ર એ નક્કર મનોમંથન કરવું જોઈએ, મૃતક સિંહોના આત્માના શાંતિ માટે સિંહ દિવસની ઉજવણી મોકૂફ રાખી સિંહોના માનમાં શોક સભા અને મૌન રાખી સિંહોને શ્રદ્ધાંજલિ આપવી જોઈએ…