ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
25 નવેમ્બર 2020
મોબાઇલના જમાનામા પણ હજી લેન્ડલાઈન ફોનની સંખ્યા નોંધપાત્ર રહી છે. હવેથી દેશભરમાં લેન્ડલાઇનથી મોબાઇલ ફોનમાં કોલ કરવા માટે, ગ્રાહકોએ નંબર પહેલાં શૂન્ય ડાયલ કરવું ફરજિયાત રહેશે. દૂરસંચાર વિભાગે આ સંબંધિત ટ્રાઇના પ્રસ્તાવને સ્વીકાર્યો છે. ટ્રાઇએ 29 મે 2020 ના રોજ આવા કોલ માટેના નંબર પહેલાં 'શૂન્ય' ની ભલામણ કરી હતી.
ટેલિકમ્યુનિકેશન્સ વિભાગે જણાવ્યું હતું કે, ટેલિકોમ કંપનીઓએ તમામ લેન્ડલાઇન ગ્રાહકોને ઝીરો ડાયલિંગ સુવિધા આપવી પડશે. આ સુવિધા હાલમાં STD કોલ એટલે કે તમારા ક્ષેત્રની બહારના કોલ્સ માટે જ ઉપલબ્ધ હતી. ટેલિકોમ કંપનીઓને આ નવી સિસ્ટમ અપનાવવા માટે 1 જાન્યુઆરી સુધીનો સમય ટ્રાઇ દ્વારા આપવામાં આવ્યો છે. ડાયલ કરવાની રીતમાં આ ફેરફારથી ટેલિકોમ કંપનીઓને મોબાઇલ સેવાઓ માટે 254.4 કરોડ વધારાના નંબર બનાવવાની મંજૂરી મળશે. તે ભવિષ્યની જરૂરિયાતોને પૂર્ણ કરવામાં મદદ કરશે.