ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 નવેમ્બર, 2021
શનિવાર
આવતા અઠવાડિયાથી તમે તમારા Google એકાઉન્ટમાં પહેલાંની જેમ લોગિન કરી શકશો નહીં. હવે ગૂગલ એકાઉન્ટમાં લોગિન કરવા માટે તમારે ટુ સ્ટેપ વેરિફિકેશન ઓન કરવું પડશે. તેને ટૂંકમાં 2SV પણ કહેવામાં આવે છે. જો તમે 2SV નહીં કરો તો તમે તમારા Google એકાઉન્ટમાં લૉગિન કરી શકશો નહીં. ટુ-સ્ટેપ વેરિફિકેશન એ સુરક્ષાનું એવું સ્તર છે જેનાથી તમે તમારા Google એકાઉન્ટને સંપૂર્ણપણે સુરક્ષિત કરી શકશો. પછી અન્ય કોઈ તેનો ઉપયોગ કરી નહીં શકે. આ પ્રક્રિયા તમામ માટે 9 નવેમ્બરથી ફરજિયાતપણે લાગુ કરવામાં આવી રહી છે. કંપનીનું કહેવું છે કે સુરક્ષાને ધ્યાનમાં રાખીને ટુ-સ્ટેપ વેરિફિકેશન લાગુ કરવું ખૂબ જ જરૂરી છે.
કંપનીએ આ વર્ષે ઓક્ટોબરમાં તેના એક બ્લોગમાં આ માહિતી શેર કરી હતી અને કહ્યું હતું કે દરેક વ્યક્તિએ પોતાના ગૂગલ એકાઉન્ટમાં લોગ ઇન કરવા માટે ટુ-સ્ટેપ વેરિફિકેશન કરવું જરૂરી છે. કંપનીના આ નિર્ણયથી લગભગ 150 મિલિયન ગૂગલ યુઝર્સ આપમેળે આ પ્રક્રિયાનો હિસ્સો બની જશે. જો વપરાશકર્તા ટુ-સ્ટેપ વેરિફિકેશન નહીં કરે, તો તેને/તેણીને Google એકાઉન્ટમાં લૉગિન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. આ સિવાય ગૂગલે એમ પણ કહ્યું છે કે લગભગ 20 લાખ યુટ્યુબ ક્રિએટર્સે પણ આ ફીચર અપનાવવું પડશે.
ટુ-સ્ટેપ વેરિફિકેશન શું છે?
ટુ-સ્ટેપ વેરિફિકેશન દ્વારા એકાઉન્ટને સંપૂર્ણપણે સુરક્ષિત કરી શકાશે. ટુ સ્ટેપ વેરિફિકેશન એપ્લાય કર્યા પછી એકાઉન્ટમાં લોગ ઇન કરવા માટે બે સ્ટેપમાંથી પસાર થવું પડશે. પહેલા સ્ટેપમાં પાસવર્ડ નાખવો અને બીજા સ્ટેપમાં તમારે OTP નાખવો પડશે. જો તમે OTP નહીં નાખો તો તમારા એકાઉન્ટમાં ઍક્સેસ કરવાની પરવાનગી મળશે નહીં. OTP મેળવવા માટે તમે SMS, વૉઇસ કૉલ અથવા મોબાઇલ ઍપનો ઉપયોગ કરી શકો છો.
ટૂ સ્ટેપ વેરિફિકેશન કેવી રીતે enable કરવું?
ટુ સ્ટેપ વેરિફિકેશન ચાલુ કરવું ખૂબ જ સરળ છે. સૌપ્રથમ તમારે Google એકાઉન્ટ ખોલવું પડશે . આ પછી નેવિગેશન પેનલમાં સિક્યુરીટી વિકલ્પ પસંદ કરવો પડશે. સિક્યુરીટીમાં તમારે સાઇન ઇન ગૂગલ પર ક્લિક કરવું પડશે. તેની અંદર તમારે ટુ-સ્ટેપ વેરિફિકેશન પર ક્લિક કરવું પડશે અને પછી ગેટ સ્ટાર્ટ પર ક્લિક કરવું પડશે. તે પછી તમારે ઓન-સ્ક્રીન સૂચનાઓનું પાલન કરવું પડશે. આખી પ્રક્રિયાને અનુસર્યા બાદ, તમારું ટુ-સ્ટેપ વેરિફિકેશન કરવામાં આવશે.