News Continuous Bureau | Mumbai
Namo Saraswati Vigyan Sadhana Yojana: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત @2047ના સંકલ્પને સાકાર કરવાના ઉદ્દેશ સાથે, રાજ્યના વિદ્યાર્થીઓને અમૃતકાળમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત ભવિષ્યલક્ષી શિક્ષણ અને ઉત્તમ કારકિર્દીની તકો મળી રહે તે માટે વર્ષ 2024-25ના ગુજરાત બજેટમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણના સુદૃઢીકરણ માટે નવી યોજનાઓ જાહેર કરવામાં આવી હતી. આ પૈકી, રાજ્યના વિદ્યાર્થીઓને ધોરણ 11-12માં વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરવા માટે પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર ( Gujarat Government ) દ્વારા નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અમલી બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ ધો- 11 અને 12માં વિજ્ઞાન પ્રવાહમાં ભણતા વિદ્યાર્થીઓને બે વર્ષ દરમિયાન કુલ ₹25,000ની આર્થિક સહાય આપવામાં આવે છે, જે માટે રાજ્ય સરકાર દ્વારા આ વર્ષના બજેટમાં ₹250 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, અત્યારસુધીમાં રાજ્ય સરકાર દ્વારા આ યોજના હેઠળ 2.50 લાખથી વધુ વિદ્યાર્થીઓને ( Science Students ) ₹28 કરોડ 46 લાખથી વધુની સહાય ચૂકવવામાં આવી છે.
Namo Saraswati Vigyan Sadhana Yojana: નમો સરસ્વતી યોજના હેઠળ લાભ મેળવવા માટે લાભાર્થીની પાત્રતા
જે વિદ્યાર્થીઓ ધોરણ-10ની બોર્ડ પરીક્ષામાં 50% કે તેથી વધુ ગુણ મેળવીને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSHSEB) અથવા કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) ની માન્યતા પ્રાપ્ત રાજ્યની સરકારી, અનુદાનિત અને સ્વ-નિર્ભર શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મેળવે તેવા વિદ્યાર્થીઓને આ યોજના હેઠળ આર્થિક સહાય મળવાપાત્ર છે. આ સહાય મેળવવા માટે વિદ્યાર્થીઓની પાત્રતા નીચે મુજબ છે:
- a) રાજ્યની સરકારી અથવા અનુદાનિત માધ્યમિક શાળાઓમાં ધોરણ-9 અને 10માં અભ્યાસ કર્યો હોય તેવા તમામ વિદ્યાર્થીઓ, અથવા
- b) માન્ય સ્વનિર્ભર માધ્યમિક શાળાઓમાં ધોરણ-9 અને 10 પૈકી બંને કે કોઈ એક ધોરણનો અભ્યાસ કર્યો હોય અને જેઓના કુટુંબની વાર્ષિક આવક ₹6 લાખ કે તેથી ઓછી હોય તેવા વિદ્યાર્થીઓ.
Namo Saraswati Vigyan Sadhana Yojana: નમો સરસ્વતી યોજના હેઠળ મળવાપાત્ર આર્થિક સહાય
આ યોજના હેઠળ ધોરણ 11 માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક ₹10,000 અને ધોરણ 12 માટે વિદ્યાર્થી દીઠ વાર્ષિક ₹15,000ની સહાય આપવામાં આવે છે. આમ, બે વર્ષો દરમિયાન વિદ્યાર્થી દીઠ કુલ ₹25,000ની આર્થિક સહાય ચૂકવવામાં આવે છે.
આ સમાચાર પણ વાંચો: Maharashtra Govt Formation : મહારાષ્ટ્રમાં સરકાર ગઠનની તૈયારીઓ તેજ! NDAની આજે દિલ્હીમાં બેઠક, આ છે સરકાર બનાવવાની ફોર્મ્યુલા..
આ સહાય પૈકી, ધોરણ 11 અને 12માં શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 મહિના માટે માસિક ₹1000 મુજબ વાર્ષિક ₹10,000 પ્રમાણે બંને વર્ષના મળીને કુલ ₹20,000 ચૂકવવામાં આવે છે, જ્યારે બાકીના ₹5000 ધોરણ 12ની બોર્ડ પરીક્ષા પાસ કર્યા પછી મળવાપાત્ર રહે છે.
Namo Saraswati Vigyan Sadhana Yojana: સરસ્વતી યોજનાના સુચારૂ સંચાલન માટે ‘નમો સરસ્વતી પોર્ટલ’
ગુજરાતની શાળાઓ ( Gujarat Schools ) દ્વારા આ યોજનાના સુચારૂ સંચાલન માટે ‘નમો સરસ્વતી પોર્ટલ’ અમલી કરવામાં આવ્યું છે. શાળાઓ દ્વારા તેઓની શાળામાં દાખલ થયેલ ઉચ્ચતર માધ્યમિકમાં વિજ્ઞાનપ્રવાહના વિદ્યાર્થીઓની નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ (CTS) પોર્ટલમાં કરવામાં આવે છે. અને CTSમાં દાખલ થયેલી તમામ વિગતોને નમો સરસ્વતી પોર્ટલ પર લઇ જવામાં આવે છે.
યોજના હેઠળ પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને આર્થિક સહાયની ચૂકવણી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) મારફતે વિદ્યાર્થીની માતાના બેંક ખાતામાં અને માતા હયાત ન હોય તેવા કિસ્સામાં સીધા વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવે છે. વિદ્યાર્થીને સરકારની અન્ય કોઈ યોજના હેઠળ સ્કોલરશિપનો લાભ મળતો હોય તો પણ આ યોજનાનો લાભ વધારાના લાભ તરીકે મળવાપાત્ર છે.
ગુજરાત સેમિકંડક્ટર, હરિત ઊર્જા અને ડિજિટલ સાયન્સ જેવા ક્ષેત્રોનું હબ બનવાની દિશામાં આગળ વધી રહ્યું છે, ત્યારે આ ક્ષેત્રો માટે ભવિષ્યમાં કુશળ તકનીકી કાર્યબળની મોટા પાયે માંગ ઊભી થશે. આ માટે જરૂરી છે, કે વધુ ને વધુ વિદ્યાર્થીઓ ધો-11 અને 12માં વિજ્ઞાન પ્રવાહની પસંદગી કરે. નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના વિદ્યાર્થીઓને 11 અને 12 ધોરણમાં વિજ્ઞાન પ્રવાહ પસંદ કરવા માટે પ્રોત્સાહિત કરશે અને તેમને વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માટે મદદરૂપ થશે. આ યોજના થકી વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ અને રોજગારની તકો સુનિશ્ચિત કરવામાં આવશે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
આ સમાચાર પણ વાંચો: NIA Salman Rehman Khan: NIAને મળી સફળતા.. લશ્કર-એ-તૈયબાના સભ્ય વોન્ટેડ સલમાન રહેમાન ખાનને આ ગુનાઓ માટે રેડ નોટિસ અંતર્ગત રવાંડાથી લવાયો પરત ભારત..