News Continuous Bureau | Mumbai
કાશ્મીરી પંડિતોના નરસંહાર અને હિજરત પર આધારિત ફિલ્મ ‘ધ કાશ્મીર ફાઈલ્સ' ફિલ્મને લઈ ભારે ચર્ચા અને વિવાદ જાગ્યો છે, ત્યારે આ બધા વચ્ચે જમ્મુ કાશ્મીર પોલીસે અનટોલ્ડ કાશ્મીર ફાઈલ્સ બહાર પાડી છે. પોલીસે 57 સેકન્ડની આ વીડિયો ક્લિપ બહાર પાડવાની સાથે જ એવો દાવો કર્યો છે કે, ઘાટીમાં દરેક ધર્મના લોકો આતંકવાદનો શિકાર બન્યા છે. પોલીસ દ્વારા બહાર પાડવામાં આવેલી આ વિડીયોનો ઉદ્દેશ્ય એ બાબત રેખાંકિત કરવાનો છે કે, કઈ રીતે તમામ કાશ્મીરીઓ (આસ્થાની પેલે પાર) ઉગ્રવાદનો શિકાર બન્યા હતા.
મીડિયામાં પ્રકાશિત અહેવાલો મુજબ જમ્મુ કાશ્મીરના એક પોલીસ અધિકારીએ આ શોર્ટ વિડીયો અંગે જણાવ્યું કે, 'આ નાગરિકો સુધી પહોંચવાનો એક પ્રયત્ન છે કે અમે તેમની પીડા સમજીએ છીએ અને આતંકવાદ સામેની લડાઈમાં આપણે બધા એકસાથે છીએ.'
— J&K Police (@JmuKmrPolice) March 31, 2022
આ વીડિયો 31 માર્ચે જમ્મુ અને કાશ્મીર પોલીસના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. સંજોગોવશાત, 4 એપ્રિલે, ખીણમાં સ્થળાંતર કરનારાઓ અને કાશ્મીરી પંડિતો પરના હુમલાઓમાં એક નવો ઉછાળો જોવા મળ્યો. અધિકારીના કહેવા પ્રમાણે 'ધ કાશ્મીર ફાઈલ્સ' કાશ્મીરી પંડિતોની દુર્દશા પર કેન્દ્રીત છે પરંતુ અહીં અનેક લોકોને લાગે છે કે ફિલ્મ ઘાટીમાં આતંકવાદના કારણે કાશ્મીરી મુસલમાનોની પીડાને સંપૂર્ણપણે નજરઅંદાજ કરે છે.
આ વીડિયોમાં 27 માર્ચના રોજ ઘાટીમાં એક SPO અને તેમના જુડવા ભાઈની શંકાસ્પદ આતંકવાદીઓ દ્વારા હત્યાનો ઉલ્લેખ કરીને શોકમાં ડૂબેલી એક મહિલા બતાવવામાં આવી છે. પીડિતોની તસવીરો સાથે ફ્રેમમાં લખાઈને આવે છે કે, 'આતંકવાદીઓએ SPO ઈશફાક અહમદના ઘરમાં ઘૂસીને તેમને તેમના ભાઈ ઉમર જાન સાથે મારી નાખ્યા. કાશ્મીરમાં આ પ્રકારના ટાર્ગેટ કિલિંગમાં 20,000 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સમય આવી ગયો છે કે, આપણે વાત કરીએ.'
આ સમાચાર પણ વાંચો : દેશમાં ફરી કૃષિ આંદોલનના ભણકારા, રાકેશ ટીકૈતના આ નિવેદનથી વધ્યું સરકારનું ટેન્શન; જાણો વિગતે
આ દરમિયાન બેકગ્રાઉન્ડ ઓડિયોમાં ફેમસ પાકિસ્તાની કવિ ફૈઝ અહમદ ફૈઝની કવિતા 'હમ દેખેંગે'ની પંક્તિઓનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેનો 'ધ કાશ્મીર ફાઈલ્સ' ફિલ્મમાં પણ ઉપયોગ થયો છે.
ઉલ્લેખનીય છે કે વિવેક અગ્નિહોત્રી દ્વારા નિર્દેશિત ફિલ્મ "ધ કાશ્મીર ફાઇલ્સ" 11 માર્ચના રોજ રીલિઝ થઈ હતી. કેટલાક કેન્દ્રીય મંત્રીઓએ આ ફિલ્મને સમર્થન આપ્યું છે અને મોટાભાગના ભાજપ શાસિત રાજ્યોમાં તેને કરમુક્ત કરી દેવામાં આવી છે.