ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઑગસ્ટ, 2021
ગુરુવાર
મધ્ય પ્રદેશના ઇન્દોર રેલવે સ્ટેશન પર ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કરતી વખતે એક મહિલાનો પગ લપસી ગયો અને મહિલા ટ્રેન અને ટ્રેક વચ્ચે પડી ગઈ. આ ઘટનામાં તેની સાથે મુસાફરી કરી રહેલા લોકોએ તેમની મદદ કરી અને મહિલાને બહાર કાઢી. સદ્નસીબે ઘટનામાં આ મહિલા બચી ગઈ અને મોટી દુર્ઘટના થતાં રહી ગઈ.
પ્રાપ્ત જાણકારી અનુસાર મહિલા તેના પરિવાર સાથે મુસાફરી કરી રહી હતી. પહેલાં તેનો પતિ અને બાળકો સામાન લઈને ટ્રેનમાં ચડી ગયાં. ત્યાર બાદ પત્ની પણ ચાલુ ટ્રેનમાં ચડવાનો પ્રયત્ન કરવા લાગી, પરંતુ અચાનક તેનું બૅલૅન્સ બગડ્યું અને તે પ્લૅટફૉર્મ પરથી નીચે પડી ગઈ. મહિલાને પડતાં જોઈને તરત જ આજુબાજુ ઊભેલા લોકોએ તેની મદદ કરી અને તેને ઉપર ખેંચી લીધી. સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર હવે આ ઘટનાનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ પ્રકારના કેટલાક વીડિયો રોજ સામે આવતા હોય છે, જેમાં લોકોની બેદરકારી તેમને ભારે પડી જાય છે. ટ્રેન સાથે અકસ્માતની કોઈ ને કોઈ ઘટના આપણે રોજ સમાચારમાં જોતા, સાંભળતા હોઈએ છીએ, છતાં લોકો બેદરકારી દાખવીને પોતાના જીવને જોખમમાં મૂકી દેતા હોય છે. રેલવે વિભાગ પણ આ માટે લોકોને ચેતવણી આપતું રહે છે. છતાં લોકો પોતાના જીવને જોખમમાં મૂકી દે છે.