ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૯ જુલાઈ ૨૦૨૧
શુક્વાર
પન્ના ટાઇગર રિઝર્વ ફક્ત વાઘ અને વન્યપ્રાણી માટે જ નહિ, પરંતુ હાથીઓ માટે પણ પ્રખ્યાત છે. વિશ્વની સૌથી મોટી વયની હાથણી વત્સલા આ જંગલમાં વસવાટ કરે છે. વત્સલા હવે 100 વર્ષની ઉમરને વટાવી ગઈ છે અને એના જીવનના છેલ્લા તબક્કામાં આવી પહોંચી છે. પન્ના ટાઇગર રિઝર્વ મૅનેજમેન્ટ અનુસાર વત્સલા હાથણીની ઉંમર 100 વર્ષથી વધુ છે, પરંતુ એના જન્મનું પ્રમાણપત્ર ન હોવાને કારણે એનું નામ ગિનીસ બુક ઑફ રેકૉર્ડ્સમાં દાખલ થઈ શક્યું નથી. વૃદ્ધાવસ્થાને કારણે, વત્સલા હવે જોઈ શકતી નથી.
જોકે હજી પણ હાથીઓના કુટુંબની સૌથી જૂની હાથણી એના બીજા સાથીઓનાં બાળકોને દાદીનો પ્રેમભાવ આપવામાં પાછળ નથી. જ્યારે પણ અહીં અન્ય હાથીઓનાં બાળકોનો જન્મ થાય છે, ત્યારે પણ એ બાળકોને ઉછેરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવતી જોવા મળે છે. પન્ના ટાઇગર રિઝર્વના વન્યપ્રાણી તબીબ ડૉક્ટર સંજીવકુમાર ગુપ્તા આજકાલ એની સંભાળ રાખે છે. કારણ કે વૃદ્ધાવસ્થાને કારણે, વત્સલાની તબિયત દિવસે ને દિવસે બગડતી જાય છે. પન્ના ટાઇગર રિઝર્વના સંચાલનને હંમેશાં દુ:ખ થશે કે થોડા કાગળોના અભાવને કારણે ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં સૌથી જૂની હાથણીનું નામ નોંધાઈ શક્યું નથી.
પન્ના ટાઇગર રિઝર્વે ગિનીસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં એનું નામ નોંધાવવા માટે ઘણા પ્રયત્નો કર્યા હતા, પણ કેરળ સરકાર પાસે પણ એના જન્મસ્થળ સાથે કોઈ રેકૉર્ડ મળ્યો નથી. પાર્ક મૅનેજમેન્ટ દ્વારા એક મીડિયા હાઉસને કહેવામાં આવ્યું હતું કે વત્સલા કદાચ લાંબો સમય આ દુનિયામાં રહેશે નહીં, કારણ કે હવે તેણે ખાવાપીવાનું પણ છોડી દીધું છે.
Join Our WhatsApp Community