ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 29 મે 2021
શનિવાર
કોરોનામાં આખાના આખા પરિવાર બરબાદ થઈ ગયા છે. અનેક પરિવારોના ઘરના કુળદીપક બુઝાઈ ગયા છે. આવો જ એક કરુણ અને દિલ હચમચાવી નાખે એવો બનાવ હિમાચલ પ્રદેશમાં બન્યો હતો. કોરોનાગ્રસ્ત રાજેશકુમારે હૉસ્પિટલમાંથી માતા સાથે ફોન પર વાત કરી હતી. તેની માતા જાણતી નહોતી કે દીકરા સાથેની આ તેની છેલ્લી વાત બની રહેશે. રાજેશે પોતે બે-ત્રણ દિવસમાં ઘરે સાજો થઈને આવશે એવું કહ્યું હતું. ફોન મૂકવાના પાંચ મિનિટમાં જ તેનું મૃત્યુ થઈ ગયું હતું.
હિમાચલ પ્રદેશના બિલાસપુર જિલ્લાના દસલેહડા તાલુકાના ગોચર ગામનો આ બનાવ છે. સવારના 7.50 વાગ્યે કોરોનાગ્રસ્ત દીકરા સાથે માતાએ ફોન પર વાત કરી હતી. ફોન પર માતા દુ:ખી લાગતાં પોતે સાજો થઈને બે–ત્રણ દિવસમાં તેની પાસે આવી જશે એવું કહ્યું હતું. દીકરાની વાત સાંભળીને માને પણ આશ્વાસન મળ્યું કે દીકરો જલદી તેની પાસે આવી જશે, પરંતુ ભગવાનને કંઈક અલગ મંજૂર હતું. ફોન મૂકવાની પાંચ મિનિટની અંદર 8 વાગ્યે હૉસ્પિટલમાં જુવાનજોધ દીકરાએ અંતિમ શ્વાસ લીધા હતા.
મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસમાં થયો ઘટાડો, પણ મૃત્યુ આંકમાં કોઈ સુધારો નહીં ; જાણો આજના નવા આંકડા
વ્યવસાયે ટ્રક-ડ્રાઇવર રહેલા રાજેશને 10 મેના હળવો તાવ આવ્યો હતો. 11 મેના તેણે કોરોનાની ટેસ્ટ કરાવતાં તે કોરોના પૉઝિટવ આવ્યો હતો. તેને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. સારવાર બાદ પણ તેની તબિયતમાં સુધારો જણાયો નહોતો. સારવાર બાદ પણ તેને બચાવી શકાયો નહોતો, પરંતુ રાજેશને જાણે ભાસ થઈ ગયો હતો કે તે વધુ જીવશે નહીં. એથી પોતાની માતા સાથે ફોન પર વાત કરી હતી, જે મા-દીકરા વચ્ચેની છેલ્લી વાત બની રહી.