ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 9 નવેમ્બર 2021
મંગળવાર.
અહમદનગરની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં શનિવારે લાગેલી આગની દુઘર્ટનામાં 11નો ભોગ લેવાયા બાદ સરકાર જાગી છે. રાજ્યના આરોગ્ય પ્રધાન રાજેશ ટોપેએ સોમવારે હોસ્પિટલના ડિસ્ટ્રક્ટિ સિવિલ સર્જન સહિત ત્રણ સ્ટાફને સસ્પેન્ડ કર્યા હતા. તો બે નર્સને નોકરી પરથી કાઢી મૂકી હતી.
રાજેશ ટોપેએ સોશિયલ મિડિયા પર ટ્વીટ કરીને અહમદનગર ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં લાગેલી આગની દુર્ઘટના બાદ મળેલી માહીતીને આધારે આ કાર્યવાહી કરી હોવાનું જણાવ્યું હતું.
હોસ્પિટલમાં સુરક્ષા વ્યવસ્થા મજબુત કરવામાં સરકાર નિષ્ફળ નીવડી હોવાના આરોપને રાજેશ ટોપેએ ફગાવી દીધો હતો પરંતુ અપ્રત્યક્ષ રીતે રાજય સરકારના સાર્વજનિક બાંધકામ ખાતાને જવાબદાર ગણાવ્યું હતું. હોસ્પિટલમાં આવશ્યક સુરક્ષા પગલાં પૂરા પાડવામાં ટેક્નિકલ મંજૂરી મેળવવામાં વિલંબ કરવા માટે પણ તેમણે સાર્વજનિક બાંધકામ ખાતાને જવાબદાર ગણાવ્યું હતું.
સોમવારે સસ્પેન્ડ કરવામાં આવેલા લોકોમાં ડિસ્ટ્રિક્ટ સિવિલ સર્જન ડો.સુનીલ પોખરણાનો સમાવેશ થાય છે. હોસ્પિટલમાં સુરક્ષાને લગતા પગલા લેવામાં તેઓ સંપૂર્ણપણે નિષ્ફળ ગયા હોવાથી તેમની ભારે ટીકા કરવામાં આવી છે. તેમની સાથે સસ્પેન્ડ કરવામાં આવેલા લોકોમા બે મોડિકલ ઓફિસર ડો.સુરેશ ઢાકણે અને ડો.વિશાખા શિંદેનો સમાવેશ થાય છે. એ સિવાય નર્સ સપના પઠારેને સસ્પેન્ડ કરવામાં આવી છે. તો સ્ટાફ નર્સ આસ્મા શેખ ચન્નાને નોકરી પરથી કાઢી મૂકવામાં આવી છે.
હોસ્પિટલમાં લાગેલી આગની દુઘર્ટનાનો રિપોર્ટ સાત દિવસમાં આવે એવી શકયતા છે. અહેવાલ આવ્યા બાદ દોષી સામે આકરા પગલા લેવાનું આશ્વાસન પણ તેમણે આપ્યું હતું.