ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,12 જાન્યુઆરી 2022
બુધવાર.
મુંબઈમાં હોમ ક્વોરન્ટાઈન રહેલા લોકો દ્વારા ક્વોરન્ટાઈનના નિયમનું ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનું જણાઈ આવ્યું છે. તેથી આવા લોકોને મુંબઈ મહાનગરપાલિકાએ ચેતવણી આપી છે કે જો નિયમોનું ઉલ્લંઘન કર્યુ તો હાથ પર ફરી હોમ ક્વોરન્ટાઈનનો સિક્કો મારવામાં આવશે.
છેલ્લા બે દિવસથી કોરોનાના નવા દર્દીની સંખ્યામાં હળવો ઘટાડો જણાયો છે. પોઝિટિવિટી રેટમાં પણ 30 ટકાથી 20 ટકા સુધીનો ઘટાડો જણાયો છે. હાલ મુંબઈમાં 90 ટકા દર્દીમાં કોરોનાના કોઈ લક્ષણો જણાયા નથી. મોટાભાગના કેસ અસિમ્પ્ટોમૅટિક છે. આવા હાલ સાત લાખ 28 હજાર નાગરિકો હોમ ક્વોરેન્ટાઇન છે. જોકે અનેક લોકો હોમ ક્વોરેન્ટાઇનના નિયમનું ઉલ્લંઘન કરી રહ્યા હોવાનું જણાઈ આવ્યું છે.
શું મલાડના જંબો કોવિડ સેન્ટરમાં ફાયર એનઓસી નથી? મીડિયામાં અહેવાલ પ્રકાશિત થયા પછી ખળભળાટ; જાણો વિગત
તેથી જો કોઈ નિયમનું ઉલ્લંઘન કરતા પકડાયું તો તેના પર હાથ પર હોમ ક્વોરન્ટાઈનનો સિક્કો મારવામાં આવશે. અહીં ઉલ્લેખનીય છે કે પહેલી લહેર દરમિયાન હોમ ક્વોરન્ટાઈન દર્દીના હાથ પર સિક્કો મારવામાં આવતો હતો. જેથી જો તે હોમ ક્વોરન્ટાઈનના નિયમનો ભંગ કરે તો આજુબાજુના લોકોને તુરંત તેની જાણ થઈ શકે. બીજી લહેર નિયંત્રણમાં આવ્યા બાદ હાથ પર સિક્કો મારવાનું બંધ કરવામાં આવ્યું હતું.