ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 05 માર્ચ, 2022,
શનિવાર,
મોડી રાત સુધી ઓફિસે કામ કરનારાઓને લોકલ સેવાની છેલ્લી ટ્રેન છૂટી ગયા બાદ ઘરે પાછા ફરવામાં ભારે મુશ્કેલી થાય છે. તેથી આવા લોકો માટે આનંદના સમાચાર છે. મુંબઈમાં હવે 24 કલાક બેસ્ટની બસ દોડવાની છે.
બેસ્ટ ઉપક્રમે રાતના ૧૨ વાગ્યાથી વહેલી સવારના પાંચ વાગ્યા સુધી સ્પેશિયલ બસ દોડાવવાનો નિર્ણય લીધો છે. દર કલાકે એક સ્પેશિયલ બસ મુંબઈના જુદા જુદા વિસ્તારમાં દોડાવવામાં આવશે. તેથી મોડી રાત સુધી કામ કરનારાઓને બેસ્ટની બસ ઉપયોગી સાબિત થશે.
લોકલ ટ્રેન રાતના બંધ થયા બાદ કામ પર રહેલા ખાસ કરીને હોસ્પિટલ, હોટલ, એરપોર્ટ જેવા જુદાં જુદાં સ્થળે કામ કરનારા કર્મચારીઓને તેમના ઘરે પહોંચવા રિક્ષા અને ટેક્સી સિવાય અન્ય કોઈ સાધન ઉપલબ્ધ હોતું નથી. તેથી આવા પ્રવાસીઓની અગવડને ધ્યાનમાં રાખીને રાતના બાર વાગ્યાથી વહેલી સવારના પાંચ વાગ્યા સુધી સ્પેશિયલ બસ દોડશે. દર એક કલાકે અમુક રૂટ પર આ સ્પેશિયલ બસની સેવા ઉપલબ્ધ થશે.
આ તારીખથી મુંબઈમાં ગરમીના ઉકળાટથી રાહત મળશે. હવામાન વિભાગનો આ છે વરતારો…
બસ નંબર એક- ઈલેક્ટ્રિક હાઉસથી માહીમ વચ્ચે, બસ નંબર 66 લિમિટેડ- ઇલેક્ટ્રિક હાઉસથી રાણી લક્ષ્મીબાઈ ચોક, બસ નંબર 202 લિમિટેડ – માહીમ બસ સ્ટોપથી બોઈસર આગર, બસ નંબર 302- રાણી લક્ષ્મીબાઈ ચોકથી મહારાણા પ્રતાપ ચોક (મુલુંડ), બસ નંબર 305- બૅંક બે ડેપોથી રાણી લક્ષ્મીબાઈ ચોક, બસ નંબર 440 લિમિટેડ માહિમ બસ ડેપોથી બોરીવલી સ્ટેશન (પૂર્વ) વચ્ચે વાયા મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને ડોમેસ્ટિક એરપોર્ટ.
આ રૂટ પર સોમવાર સાત માર્ચથી નોન-એસી બસ દોડશે. પ્રવાસીઓ રાતના સમયે આ બસને હાથ બતાવીને રોકી શકશે.