News Continuous Bureau | Mumbai
અઠવાડિયાના સાતેય દિવસ 24 કલાક જાગતી રહેતી મુંબઈનગરીના લોકો માટે બેસ્ટ ઉપક્રમે ગયા અઠવાડિયાથી નાઈટ બસ દોડાવાનું ચાલુ કર્યું છે. રાતના 12 વાગ્યાથી સવારના પાંચ વાગ્યા સુધીના સમયગાળા માટે બસ દોડાવામાં આવે છે, જેને મુંબઈગરા તરફથી બહુ જ સારો પ્રતિસાદ મળ્યો છે. તેથી આગામી દિવસોમાં રાતના દોડાવવામાં આવતી બસની સંખ્યામાં વધારો કરવાનો સંકેત બેસ્ટ ઉપક્રમે આપ્યો છે.
આ સમાચાર પણ વાંચો :લો બોલો!! મુંબઈની એસી લોકલના ટિકિટના દર ઘટાડવા આ સંસ્થાએ આપી આંદોલનની ચીમકી..જાણો વિગતે
મુંબઈમાં મોડી રાત સુધી ઓફિસમાં કામ કરનારા મુંબઈગરા માટે લોકલ ટ્રેન બંધ થયા બાદ ઘરે જવાનો વિકલ્પ ઓટોરિક્ષા અને કાલી-પીલી ટેક્સી, ખાનગી ટેક્સી સિવાય નહોતો. જોકે મોડી રાત સુધી કામ કરનારા માટે બેસ્ટ પ્રશાસને રાતના 12થી સવારના પાંચ વાગ્યા સુધી બેસ્ટની બસ દોડવાનું ચાલુ કર્યું છે.
હાલના તબક્કે મુંબઈમાં જુદા જુદા છ રૂટ પર 12 બસ દોડાવવામાં આવી રહી છે. આ બસનું ભાડું પણ દિવસના ભાડા સમાન જ છે. રાતના દર કલાકે એક બસ ઉપાડવામાં આવે છે અને જુદા જુદા રૂટ પર દોડે છે, જે ઇલેક્ટ્રિક હાઉસ, માહિમ બસ ડેપો, રાણી લક્ષ્મીબાઈ ચોક(સાયન) અને બૅક બેથી બસ શરૂ થાય છે, જે માહિમ, પોઈસર, સાયન, મુલુંડ અને બોરીવલી વાયા મુંબઈ એરપોર્ટ થઈને જતી હોય છે.
બેસ્ટના અધિકારીના કહેવા મુજબ છ રૂટ પર દોડતી બસમાં સૌથી વધુ રિસ્પોન્સ માહિમ બસ ડેપોથી બોરીવલી સુધીના રૂટ પર દોડતી સી-440 બસને મળ્યો છે. ત્યારબાદ બૅક-બે અને સાયન સ્ટેશન વચ્ચે દોડતી સી-305ને મળ્યો છે.