News Continuous Bureau | Mumbai
કોરોના મહામારી દરમિયાન મોટું આર્થિક નુકસાન સહન કરનારી મુંબઈ મહાનગરપાલિકા માટે રાહતના સમાચાર છે. પાલિકાની આવકનો સૌથી મોટો સ્ત્રોત ગણાતો પ્રોપર્ટી ટેક્સ વસૂલીનો લક્ષ્યાંક પૂરો કરવામાં સફળ રહી છે. 31 માર્ચના નાણાકીય વર્ષ પૂરું થવાને બે દિવસનો સમય બાકી હતો ત્યારે જ પાલિકા પોતાની તિજોરીમાં ૫,૧૮૧.૫૦ કરોડ રૂપિયા જમા થયા છે.
નાણાકીય વર્ષ એપ્રિલ, ૨૦૨૧થી માર્ચ, ૨૦૨૨ પૂરો થવાને માત્ર બે દિવસ બાકી હતા, તે પહેલાં જ પ્રોપર્ટી ટેક્સના પોતાના નિર્ધારિત લક્ષ્યાંક કરતા ૧૦૦ કરોડ રૂપિયા વધુ વસુલ થયા છે. નાણાકીય વર્ષ પૂરું થવામાં આજનો છેલ્લો દિવસ બાકી છે, ત્યારે તેમા હજી રકમનો ઉમેરો થાય એવી પાલિકાને આશા છે.
આ સમાચાર પણ વાંચો : અરે વાહ!! દક્ષિણ મુંબઈના આ સ્ટેશનનો થયો કાયાપલટ, જુઓ તસવીરો, જાણો વિગતે..
વર્ષ ૨૦૨૧-૨૨ના આર્થિક વર્ષમાં પ્રોપર્ટી ટૅક્સના માધ્યમથી ૫,૧૦૦ કરોડ રૂપિયાની આવક જમા કરવાનો પાલિકાએ લક્ષ્યાંક રાખ્યો હતો. તેની સરખામણીમાં ૨૯, માર્ચ ૨૦૨૨ સુધી પાલિકાની તિજોરીમાં ૫,૧૮૧.૫૦ કરોડ રૂપિયા થઈ ગયા છે.
નાણાકીય વર્ષ ૨૦૨૦-૨૧માં ડિફોલ્ટરોને નોટિસ, જપ્તીની કાર્યવાહીને કારણે આ માર્ચ ૨૦૨૧ સુધીમાં ૫,૧૩૫.૪૩ કરોડ રૂપિયાની વિક્રમી વસૂલી કરવામાં પાલિકા સફ્ળ રહી હતી. જોકે ત્યાર બાદ પ્રોપર્ટી ટેક્સ વસૂલ કરવાની પ્રક્રિયા ધીમી પડી ગઈ હતી, તેથી ડિસેમ્બર, ૨૦૨૧ સુધીમાં માત્ર ૫૬૦ કરોડ રૂપિયા જ જમા થઈ શક્યા હતા. તેથી પાલિકાની ચિંતામાં વધારો થયો હતો, જોકે ત્યાર બાદના ત્રણ મહિનામાં જ પાલિકા લક્ષ્યાંક પૂરો કરી શકી છે.