ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑક્ટોબર, 2021
મંગળવાર
શિવસેના સંચાલિત મુંબઈ મહાનગરપાલિકાનો અજબ કારભાર છે. રાજ્યમાં જ્યારે ભાજપની સરકારે આરે કૉલોનીમાં મેટ્રો કારશેડ બનાવવા માટે સેંકડો ઝાડ કાપવાનો આદેશ આપ્યો હતો, એની સામે શિવસેનાએ ખાસ કરીને પર્યાવરણપ્રધાન આદિત્ય ઠાકરે સખત વિરોધ કર્યો હતો. એને કારણે જ્યારે મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડી (MVA)ની સરકાર આવી કે તરત મુખ્ય પ્રધાને ઝાડની કતલ થતી રોકવા માટે મેટ્રો કારશેડ આરેને બદલે કાંજુરમાર્ગમાં બનાવવાનો નિર્ણય લીધો હતો, ત્યારે આજે મુંબઈ મહાનગરપાલિકામાં ટ્રી ઑથૉરિટીની આજે બેઠક થવાની છે, એમાં 1,343 ઝાડને કાપવાને લગતો પ્રસ્તાવ મંજૂરી માટે આવવાનો છે. મેટ્રો રેલવેના જુદાં જુદાં કામ, વેસ્ટર્ન રેલવેના વિસ્તારીકરણ સહિત ખાનગી પ્રોજેક્ટ માટે 770 ઝાડ કાપવાનો અને 573 ઝાડને પુનઃરોપવાને લગતો પ્રસ્તાવ મંજૂરી માટે આવવાનો છે. એથી આ પ્રસ્તાવ પર શિવસેના શું નિર્ણય લે છે એના પર સૌ કોઈની નજર મંડાયેલી છે.
વડાલાથી થાણે સુધીની મેટ્રો લાઇન માટે ઘાટકોપરમાં 133 ઝાડ કાપવાના અને 104 ઝાડને પુનઃ રોપણ કરવામાં આવવાનાં છે. વિક્રોલીમાં 105 ઝાડ કાપવાના અને 39 ઝાડને પુનઃ રોપણનો પ્રસ્તાવ છે. એ ઉપરાંત અંધેરી (વેસ્ટ)માં મેટ્રો માટે 41 ઝાડ કાપવા અને 145 ઝાડનું પુનઃરોપણ કરવાનો પ્રસ્તાવ છે, તો મેટ્રોના ત્રીજા તબક્કાના કામ માટે વિધાનભવન સ્ટેશન માટે 24 ઝાડ કાપવાના છે અને 17 ઝાડના પુનઃરોપણ કરવામાં આવનાર છે.
વેસ્ટર્ન રેલવેમાં જોગેશ્વરીથી રામ મંદિર વચ્ચે પ્રસ્તાવિત પુલ માટે 9 ઝાડ કાપવાનાં અને 57 ઝાડનું પુનઃરોપણ કરવાનું છે. અંધેરીથી અંબોલી દરમિયાન પ્રસ્તાવિત પુલ માટે 35 ઝાડ કાપવાનાં અને 15 ઝાડને પુનઃ રોપવાનાં છે. સાંતાક્રુઝ-ખાર દરમિયાન છઠ્ઠી લાઇન માટે 18 ઝાડ કાપવાનાં 27 ઝાડનું પુનઃરોપણ કરવાનું છે. કુર્લાથી લોકમાન્ય ટિળક ટર્મિનસ વચ્ચે કોચિંગ લાઇનના બાંધકામ માટે 176 ઝાડ કાપવાનાં અને 131 ઝાડનું પુનઃરોપણ કરવામાં આવવાનું છે.
