ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 20 ડિસેમ્બર 2021
સોમવાર.
મુંબઈ મેટ્રોપોલિટન રિજનલ ડેવલપમેન્ટ ઓથોરિટી (MMRDA) માટે ધોળો હાથી સાબિત થયેલી મોનો રેલના નસીબ હવે ચમકી જવાના છે. મુંબઈ મહાનગરપાલિકાએ મોનો રેલના પીલરો પર LED લાઈટ બેસાડવાનો નિર્ણય લીધો છે.
મોનો રેલ ચાલુ થઈ ત્યાંરથી તે ખોટમાં છે. મુંબઈગરાએ તેની તરફ મોઢું ફેરવી લીધુ હતું. છતા ગાલ પર તમાચો મારીને MMRDA તેને ચલાવી રહી છે. હવે મુંબઈ મહાનગરપાલિકાને પણ મોનો રેલની યાદ આવી છે. ચેંબુરથી ભાયખલાની આગળ સાત રસ્તા સુધી મોનોરેલ દોડે છે. ત્યારે આ રૂટ પર લાલબાગ, પરેલ વિસ્તારમાંથી પસાર થતી મોનોરેલના થાંભલાઓનું પાલિકા સુશોભીકરણ કરવાની છે, જેમાં થાંભલાઓ પર LED લાઈટ બેસાડવાની છે.
પરેલમાં ભારતમાતા જંકશનથી નાયગાંવ સુધીના ચાર કિલોમીટરના વિસ્તારમાં મોનો રેલના ૧૨૩ થાંભલા પર LED બેસાડવામાં આવશે. પાલિકાએ તે માટે ટેન્ડર પણ બહાર પાડયા છે.
અહીં ઉલ્લેખનીય છે કે દાદર, પરેલ અને લાલબાગ, ભાયખલા વિસ્તારમાં મોટા પ્રમાણમાં મરાઠીઓની વસ્તી છે, ત્યારે ચૂંટણીને ધ્યાનમાં રાખીને સત્તાધારી શિવસેના મતદારોને આકર્ષવા એક પણ તક છોડવા માગતી નથી. તેથી પોતાના અખત્યાર હેઠળ મોનો રેલ આવતી ન હોવા છતા તેના થાંભલા પર LED લાઈટ બેસાડવા લાખો રૂપિયા ખર્ચવાની છે, તેની સામે નારાજગી પણ વ્યક્ત થઈ રહી છે.