ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 નવેમ્બર 2021
ગુરુવાર.
મુંબઈમાં કોરોના નિયંત્રણમાં હોવા છતાં અમેરિકા, યુરોપ અને રશિયા જેવા દેશોમાં કોરોનો વકરી રહ્યો છે, તેને કારણે મુંબઈ મહાનગરપાલિકાની ચિંતા વધી ગઈ છે. આ દેશોમાંથી ભારતમાં પ્રવાસ નિમિત્તે અથવા કોઈ કામ નિમિતે મુંબઈમાં આવનારી વ્યક્તિ પોતાની સાથે કોરોનાનો ચેપ લાવે તેનું જોખમ નિર્માણ થયું છે. તેથી આ દેશોમાં કોરોનાનો કયો વેરિયન્ટ ફેલાયો છે, તેનો પાલિકા અભ્યાસ કરીને તે મુજબની તૈયારી કરવામાં માગે છે. તે માટે પાલિકા યંત્રણાએ રાજયની ટાસ્ક ફોર્સને આ દેશોના કોવિડ વિષાણુના જિનોમ સિક્વેન્સિંગના રિપોર્ટ મગાવવાની વિનંતી કરી છે. જેથી તેનો અભ્યાસ કરીને તે મુજબની પાલિકા તૈયારી કરી શકે.
મુંબઈમાં વેક્સિનેશનની સારી અસર જોવા મળી રહી છે. અત્યાર સુધી વેક્સિન માટે પાત્રતા ધરાવતા 100 ટકા લોકોને વેક્સિનનો પહેલો ડોઝ મળી ગયો છે અને જાન્યુઆરી સુધી પાલિકા બીજો ડોઝ આપી દેવાનું લક્ષ્યાંક રાખે છે. આ દરમિયાન દિવાળી બાદ કોરોના કેસમાં પણ કોઈ વધારો થવાનો જે ભય હતો તેમાં પણ રાહત થઈ છે. કોરોના કેસમાં કોઈ પ્રકારનો વધારો થયો નથી.પરંતુ ફેબ્રઆરીમાં ત્રીજી લહેરનુ જોખમ માથા પર મંડરાઈ રહ્યું હોવાની નિષ્ણાતોએ ચેતવણી આપી છે. તેથી પાલિકા ફરી સર્તક થઈ ગઈ છે.
મુંબઈ સહિત ભારતમાં કોરોના કંટ્રોલમાં છે. પરંતુ અમેરિકા, રશિયા અને યુરોપમાં કોરોનાનો આતંક ચાલુ છે. આગામી દિવસોમાં વિદેશથી આવનારા પર્યટકોની સંખ્યા વધી શકે છે. તેમ જ ક્રિસમસ અને નવા વર્ષની પાર્ટીઓને કારણે કોરોના વધવાનુ જોખમ ઊભું થયું છે. તેથી પાલિકાએ તકેદારીના પગલારૂપે વિદેશથી આવનારા આ નાગરિકોની મુંબઈમાં પ્રવેશ આપવા પહેલા કોવિડ ટેસ્ટ કરવાની છે.
એ સિવાય પાલિકાએ વિદેશમાં હાલ કયા પ્રકારનો વેરિયન્ટ છે, તેને ફેલાતો કેવી રીતે રોકી શકાય તેનો અભ્યાસ કરીને તે મુજબ આરોગ્ય યંત્રણા સજ્જ કરવા માગે છે. તેથી રાજયની ટાસ્ક ફોર્સ પાસે આ દેશોમાં કયા પ્રકારનો કોવિડનો વેરિયન્ટ છે તેનો અહેવાલ મગાવી આપવાની માગણી કરી છે.