ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,6 જાન્યુઆરી 2022
ગુરુવાર.
મુંબઈમાં કોવિડના વધતા જતા દર્દીની સંખ્યા જોતા કોરોનાની ત્રીજી લહેરનું આગમન થઈ ગયું હોવાનું જણાઈ રહ્યું છે. ત્યારે મુંબઈ મહાનગરપાલિકાએ પણ કોરોનાની ત્રીજી લહેરનો સામનો કરવા માટે જુદી જુદી હોસ્પિટલ, જંબો સેન્ટરમાં 30,000 બેડ્સ તૈયાર રાખ્યા છે. હાલ તેમાંથી 18 ટકા બેડ્સ દર્દીથી ભરાઈ ગયા છે. એટલે કે પાલિકાના દાવા મુજબ હજી પણ હોસ્પિટલમાં 82 ટકા બેડ્સ ખાલી છે.
આગામી દિવસમાં કેસમાં હજી વધારો થવાની શક્યતા છે. તેને ધ્યાનમાં રાખીને બેડ્સની સંખ્યા હજી વધારવાનો પાલિકાએ નિર્ણય લીધો છે. તે માટે ખાનગી હોસ્પિટલ, ખાનગી ખુલ્લી જગ્યા તાબામાં લઈને તેનો ઉપયોગ કરવા પર પાલિકા કામ કરી રહી છે.
પાલિકાના એડિશનલ કમિશનર સુરેશ કાકાણીના જણાવ્યા મુજબ હોસ્પિટલમાં દરરોજ દાખલ થવાનો સરેરાશ આંક પાંચ ટકા છે. પાલિકા પાસે હાલ 30,000 બેડ્સ ઉપલબ્ધ છે અને ઓક્સિજનનો પણ પૂરતો સ્ટોક છે. તેથી દર્દીને બેડ્સ અને ઓક્સિજનની અછત વર્તાય નહીં તેની પૂરેપૂરી કાળજી લેવાશે.
હાલ પાલિકા પાસે 230 મેટ્રિક ટન ઓક્સિજનનો સ્ટોક છે. જરૂરિયાત મુજબ વધુ ઓક્સિજનનો સ્ટોક ત્રણ ગણો વધારવાની ક્ષમતા છે.