News Continuous Bureau | Mumbai
ભાજપના (BJP) નેતા અને કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે બાદ ભાજપના મુંબઈના યુથ વિંગના (Youth Wing) ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ મોહિત કંબોજની મુશ્કેલીમાં વધારો થયો છે. મુંબઈ મનપાના (BMC) અધિકારીઓને મોહિત કંબોજના સાંતાક્રુઝમાં આવેલા ઘરમાં ઈન્સ્પેક્શન દરમિયાન ગેરકાયદે બાંધકામ મળી આવ્યું છે.
સાંતાક્રુઝમાં એસ.વી.પી. રોડ પર ૧૩ માળાની ખુશી પ્રાઈડ બેલમોન્ડો બિલ્ડિંગમાં મોહિત કંબોજનું ઘર છે. બિલ્ડિંગમાં તેઓના ચાર ફ્લેટ છે. પાલિકાના એચ-વેસ્ટ વોર્ડે ૨૧ માર્ચના મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન ઍક્ટ ૧૮૮૮ના સેક્શન ૪૮૮ હેઠળ તેમની બિલ્ડિંગને ઈન્સ્પેક્શનની નોટિસ મોકલી હતી.
નોટિસ બાદ બુધવારે પાલિકાના એચ-પશ્ચિમ વોર્ડના અધિકારીઓ મોહિત કંબોજના ઘરે પહોંચી ગયા હતા. તપાસ દરમિયાન ઘરમાં વધારાનું બાંધકામ કરવામાં આવ્યું હોવાનુ જણાઈ આવ્યું હોવાનું એચ-પશ્ચિમ વોર્ડના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર વિશ્વાસ વિસપુતેએ મીડિયા હાઉસને જણાવ્યું હતું.
આ સમાચાર પણ વાંચો : તો શું મુંબઈમાં માસ્ક વગર ફરનારા પાસેથી દંડ નહીં વસૂલાય ? મુંબઈ પાલિકાએ કરી સ્પષ્ટતા જાણો વિગતે
પાલિકાના અધિકારીના કહેવા મુજબ સાંતાક્રુઝની આ બિલ્ડિંગમાં ગેરકાયદે બાંધકામ હોવાની માહિતી મળી હતી. તે આધારે નોટિસ મોકલ્યા બાદ આ તપાસ કરવામાં આવી હતી. પાલિકાની આ કાર્યવાહી સામે જોકે મોહિત કંબોજે સોશિયલ મીડિયા પર પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો અને ઇન્સ્પેકશન દરમિયાન કંઈ ગેરકાયદે બાંધકામ મળ્યુ ન હોવાનો દાવો કર્યો હોવાનું કહેવાય છે.
છેલ્લા થોડા મહિનાથી મહાવિકાસ આઘાડીના નેતા અને મોહિત કંબોજ વચ્ચે શાબ્દિક ચકમક ચાલી રહી છે. તાજેતરમાં જ મોહિત કંબોજે શિવસેનાના નેતા અને સાંસદ સંજય રાઉત સામે અમુક આક્ષેપ પણ કર્યા હતા. તેનાથી શિવસેના વધુ છંછેડાઈ ગઈ હતી અને તેથી જ શિવસેનાએ પાલિકા પાસેથી મોહિત કંબોજ સામે આ કાર્યવાહી કરાવી હોવાનું રાજકીય સ્તરે ચર્ચાઈ રહ્યું છે.