ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,7 જાન્યુઆરી 2022
શુક્રવાર.
મુંબઈમાં ગુરુવારે કોરોનાના 20,000ની ઉપર કેસ નોંધાયા છે. કેસમાં રોજ ઝડપભેર ઉછાળો જોવા મળી રહ્યો છે. આગામી દિવસમાં પ્રતિદિન નોંધાતો આંકડો હજી ઉપર જવાની આશંકા છે. જોકે તેની સામે હોસ્પિટલમાં દાખલ થનારા લોકોની સંખ્યા ઓછી છે. છતાં પાલિકા કોઈ જોખમ લેવા માંગતી નથી. તેથી તેણે મુંબઈની 157 ખાનગી હોસ્પિટલ અને નર્સિંગ હોમ પોતાના તાબામાં લેવાનું ચાલુ કરી દીધું છે.
પાલિકાએ ખાનગી હોસ્પિટલ પોતાના તાબામાં લઈ રહી છે. આ સ્થળોએ 80 ટકા બેડ અને 100 ટકા આઈસીયુ કોરોનાના દર્દી માટે 10 જાન્યુઆરી સુધી સજ્જ રાખવાનો આદેશ પાલિકા કમિશનરે આપ્યો છે. હોસ્પિટલમાં વ્યવસ્થા કેવી છે, તેની તપાસ પાલિકાની ટીમ 11 જાન્યુઆરીથી કરવાની છે.
ખાસ કરીને ખાનગી હોસ્પિટલમાં બેડ પર સારવાર લેનારા દર્દી પાસેથી સરકારે નક્કી કરેલા દર મુજબ બિલ લેવામાં આવે છે કે નહીં તેની તપાસ પાલિકાના ઓડિટર કરવાના છે.
મુંબઈમાં પરિસ્થિતિ ગંભીર, નવ જંબો સેન્ટરમાં આટલા બેડ્સની સંખ્યા વધારાશે; જાણો વિગત
હાલ 90 ટકા દર્દીમા કોરોનાના કોઈ લક્ષણો જણાતા નથી. તેમ જ હાલ ફક્ત 5 ટકા દર્દીને જ હોસ્પિટલમાં દાખલ કરવા પડી રહ્યા છે. પરંતુ જે ગતિએ કોરોના કેસ વધી રહ્યા છે, તેને જોતા પાલિકા કોઈ જોખમ લેવા માંગતી નથી.