ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 નવેમ્બર, 2021
મંગળવાર
મુંબઈમાં એવા લોકો પણ વસે છે જેમની પાસે આધારકાર્ડ જેવું કોઈપણ જાતનું પ્રમાણપત્ર નથી. આવા લોકો કોરોનાની રસી કઈ રીતે લેશે? એ એક મોટો પ્રશ્ન હતો. જોકે પાલિકાએ આવા લોકોનો વિચાર કર્યો છે અને કોઈપણ જાતના પ્રમાણપત્ર વગર રહેતા ૯ હજારથી વધુ લોકોનું પાલિકાએ રસીકરણ કર્યું છે. મુંબઈ મહાપાલિકાએ આવા લોકો માટે વિશેષ રસીકરણ ઝુંબેશ ચલાવી હતી. જેને સારો પ્રતિસાદ મળ્યો છે.
કોરોનાની રસી લેવા માટે આધારકાર્ડ, વોટિંગકાર્ડ, પેન કાર્ડ કે આમાંથી કોઈપણ એક પ્રમાણ હોવું જરૂરી છે, પરંતુ મુંબઈમાં ઘણા એવા લોકો છે જેમની પાસે આમાંનું એક પણ પ્રમાણપત્ર નથી. રસીકરણ ઝુંબેશ જ્યારે શરૂ થઈ હતી ત્યારે શરૂઆતમાં કોઈ પણ પ્રમાણપત્ર વગર લોકોને રસી અપાતી ન હતી. ત્યારબાદ મુંબઈ મહાનગરપાલિકાએ મુંબઈમાં રહેતી દરેક વ્યક્તિને કોરોનાથી રક્ષણ મળે તેની યોજના બનાવી અને વિશેષ રસીકરણ ઝુંબેશ હેઠળ એવા લોકોને રસી આપવામાં આવી હતી જેમની પાસે કોઈપણ પ્રમાણપત્ર નથી. ચાલુ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં આ વર્ગના લોકોને રસી આપવા માટે ડોક્ટર, નર્સ અને અન્ય કર્મચારીઓની એક ટીમ બનાવવામાં આવી હતી. જેમાં એનજીઓની પણ મદદ લેવાઈ હતી. અનાથાશ્રમમાં રહેતા લોકો, તૃતીય પંથીઓ, સેકસ વર્કરો, જેલના કેદી અને રસ્તા પર રહેનારા લોકોને રસી આપવાની શરૂઆત કરવામાં આવી હતી.
મહાનગરપાલિકાના કાર્યકારી સ્વાસ્થ્ય અધિકારી ડૉ. મંગલા ગોમારેએ મીડિયાને જણાવ્યું હતું કે વગર કોઈ પ્રમાણપત્ર લોકોને રસી આપવી પડકારજનક કામ હતું, પરંતુ અમારો હેતુ દરેક વ્યક્તિને કોરોનાથી સુરક્ષા આપવાનો હતો. લગભગ ત્રણ મહિનામાં પ્રમાણપત્ર વગરના 9380 લોકોના રસીકરણ કરવામાં આવ્યા છે.